ડિપ્થેરિયા રસીકરણ મહાઅભિયાન:ડિપ્થેરીયાથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે તંત્ર સજ્જ, ધોરણ 5 અને 10માં અભ્યાસ કરતા 16 હજાર બાળકોને રસી આપવાનું શરૂ

ડીસા9 દિવસ પહેલા
  • 2019માં ડિપ્થેરીયાના 377 કેસો સામે આવ્યા, 17 બાળકોના સારવાર દરમ્યાન મોત

ડીસામાં બાળકોમાં થતાં ડિપ્થેપરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં ધોરણ 5 અને 10માં અભ્યાસ કરતા અંદાજે 16 હજાર જેટલાં બાળકોને ડિપ્થેરીયાની રસી આપવાનું શરૂ કરાયું છે અને હવે ડીસામાં ડિપ્થેરીયાથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

ડીસા તાલુકાના 13- PHC અને 2 અર્બન હેલ્થ સેન્ટર પર TD વેક્સિનની શરૂઆત કરાઈ
બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરિયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. જેમાં વર્ષ-2019માં ડિપ્થેરીયાના 377 કેસો સામે આવ્યા હતા. તેમાંથી 17 બાળકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 10 બાળકોના મૃત્યું થયાં હતાં. ત્યારે હવે ડિપ્થેરીયા રોગથી વધુ એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહાઅભિયાન હાથ ધરાયું છે. મુખ્ય જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શીવનાથ દેવના માર્ગદર્શન મુજબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પી એમ ચૌધરીના વડપણ હેઠળ ડીસા તાલુકાના 13- PHC અને 2 અર્બન હેલ્થ સેન્ટર પર TD વેક્સિનની શરૂઆત કરાઈ છે.

ધોરણ 5 અને 10ના 16 હજાર 207 બાળકોને આવરી લેવામાં આવશે
આ વેક્સિન પ્રોગ્રામ હેઠળ 280 શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 5 અને 10ના 16 હજાર 207 બાળકોને આવરી લેવામાં આવશે. ડીસા હેલ્થ ઓફિસર તમામ બાળકોના વાલીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે વ્હાલસોયા બાળકની સુરક્ષિત અને સલામત જિંદગી માટે ડિપ્થેરીયાની રસી અવશ્ય મુકાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...