ત્રીજીવાર હવામાન પલટાતા ખેડૂતો ચિંતિત:ડીસામાં રવિ સીઝનના અંતમાં સવારથી જ જોરદાર પવન સાથે વાવાઝોડું; કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની સંભાવના

ડીસા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસામાં રવી સીઝનમાં ત્રીજી વખત હવામાન અચાનક પલટાતા અને વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ જવા પામ્યા છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો અને ભારે પવન સાથે વાદળછાયા વાતાવરણના કારણે હજુ ખેતરોમાં ઉભેલા અને લેવાઈ રહેલા ઘઉં, જીરું, ઇસબગુલ, તમાકુ સહિતના પાકોને મોટું નુકસાન થવાની વકી છે. વાતાવરણ વાદળછાયું રહેતા કમોસમી વરસાદ ન થાય તેવી ખેડૂતો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે.

ચાલુ વર્ષે રવિ સિઝન શરૂ થઈ ત્યારથી અવારનવાર વાતાવરણ પલટાતું રહે છે. જેમાં અગાઉ પણ બે વખત કમોસમી વરસાદ થયો હતો. ત્યારે હવે રવિ સીઝનના અંતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ડીસા પંથકમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયું બની જવા પામ્યું છે. આ રવી સીઝનમાં ત્રીજી વખત વાતાવરણ બદલાયું છે. જેમાં અગાઉ બે વખત વરસાદ થતાં જતાં બટાકા, જીરું, ઇસબગુલ, તમાકુ અને કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયુ હતું.

ત્યારે હવે બટાકા, રાયડા અને એરંડાની સીઝન પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ હજુ ખેતરોમાં ઘઉં, જીરું, ઇસબગુલ જેવા પાકો ઉભા છે. તેમજ તેની કાપણી પણ ચાલી રહી છે. તેવા સમયે જ ત્રીજી વખત અચાનક હવામાનમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું હોઇ અને ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાતો હોય જો કમોસમી વરસાદ થાય તો ખેતીપાકોને ખુબ જ મોટુ નુકસાન થાય તેવી સંભાવના છે.

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરેલી છે. જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા પણ ખેડૂતોને આગમચેતી પગલાં લેવા તાકીદ કરાઈ છે. જેથી જો વરસાદ થાય તો ખેડૂતો કાપણી કરેલો માલ તો કદાચ બચાવી શકે, પરંતુ ખેતરમાં ઉભેલા માલને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...