સુરતના ત્રણ શખ્સોએ ડીસાના વેપારીના બ્રાન્ડેડ ઘી પ્રોડક્ટના લોગો, સ્ટીકર તથા લેબલની કોપી કરી તેના જેવું ડુપ્લીકેટ ઘી આરોપીઓ ડીસાના વેપારીની પ્રોડક્ટ કરતા ઓછી કિંમતે માલ વેચતા હોવાનું ધ્યાને આવતાં ઓનલાઈન વેચાણ કરતા ત્રણેય શખ્સો સામે ડીસાના વેપારીએ કોપીરાઈટ એક્ટ અને ટ્રેડમાર્ક એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલ ઉન્નતિ પાર્ક સોસાયટીમાં રહેતા અપૂર્વ શંકરભાઈ કતીરા (ઠક્કર) ડીસા ખાતે "દિવ્ય કામધેનું એ2 દેશી ગીર કાઉ ઘી’ ના લેબલ હેઠળ ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન કરાવી દૂધ અને ઘી ની પ્રોડક્ટનું વેચાણ કરે છે. તેઓ દિવ્ય કામધેનુંના માલિક અને લોગોના ટ્રેડમાર્ક કોપીરાઈટના માલિક છે.
તેઓએ વર્ષ 2017 થી રજીસ્ટ્રેશન કરાવેલું છે અને તેઓ પોતાની પ્રોડક્ટનું એમેઝોન.ઇન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગ એજન્સીઓ મારફતે પણ વેચાણ કરે છે. આ દરમિયાન તેઓના ધ્યાને હતું કે તેમની કંપનીના લોગો અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરી અન્ય શખ્સો તેઓની પ્રોડક્ટ ઓનલાઇન વેચી રહ્યા છે.
જેના કારણે તેમનું વેચાણ ઘટી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેઓએ આ બાબતની તપાસ કરવા એમેઝોન પરથી તેમની જ કંપનીની "દિવ્ય કામધેનુ એ2 દેશી ગીર કાઉ ઘી'' ની એક બોટલ મંગાવી હતી. જે બોટલ તેઓને મળતા તેના પર સુરતના શખ્સોએ તેમની જ કંપનીનો લોગો, લેબલ અને ટ્રેડમાર્કની સેમ કોપી કરી તેમના સ્ટીકરનો ઉપયોગ કરી ઓછી કિંમતે ઓનલાઇન ઘી વેચાણ માટે મૂકવામાં આવી હોવાનું જાણ થઇ હતી. આથી તેમણે તપાસ કરતા મમતા ડેરી ફાર્મ એન્ડ મેન્યુફેક્ચર પ્રોડક્ટ બાય કામધેનુ ડેરી ફાર્મ વિલેજ કુડાસણ, તાલુકો-ઓલપાડ, જિલ્લો-સુરતનું એડ્રેસ ઉપર છપાયેલું હતું.
આ બાબતે વધુ તપાસ કરી પ્રોપરાઇટરની માહિતી મેળવતા તેમાં ડી એન્ડ ડી ટ્રેડલિંકના નામથી જતીનભાઈ બાબુભાઇ દેસાઇ (રહે.એફ-503, મિલાનિયો રેસીડેન્સી, યોગીચોક, પુણાગામ, સુરત), હાર્દિક હરજીભાઇ ધડુક (રહે.ગ્રીન સિટી પાર્ક, ભાથા ગામ, સુરત) તેમજ પ્રવીણભાઈ હરિભાઈ સવાણી (રહે.દુકાન નં-1, બિલ્ડીંગ સી-1,પંચતત્વ રેસીડેન્સી,રિવરવ્યુ હાઇટ્સ પાસે, મોટા વરાછા, સુરત) આ ત્રણેય શખ્સો તેમનો લોગો, લેબલ અને ટ્રેડમાર્કનું યુઝ કરી "દિવ્ય કામધેનુને એ2 દેશી ગીર કાઉ ઘી’ ના નામથી રૂ. 1790 ના ભાવથી ઓનલાઇન વેચાણ કરતા હતા. જેથી ડીસાના વેપારી અપૂર્વ શંકરભાઇ કતીરા (ઠક્કર) એ ડીસા પોલીસમાં ફરિયાદ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.