ડીસા તાલુકાના લુણપુર ગામે દરબાર સમાજના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં આગામી 23 જાન્યુઆરીના રોજ ગૃહમંત્રીની હાજરીમાં દરબાર સમાજના હજારો લોકો વ્યસનમુક્તિના સંકલ્પ લેશે. આ કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સાંસદ સભ્ય, ધારાસભ્યો અને પોલીસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ડીસા તાલુકાના સદરપુરગામમાં શ્રી અંબાજીના મંદિરે આગમવિશાર આચાર્ય દેવ વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સોલંકી, દરબાર, ક્ષત્રિય સમાજના આઠ ગામના આગેવાનોએ એક સાથે મળીને સામૂહિક રીતે સંપૂર્ણ વ્યસનમુક્તિ માટેની પ્રતિજ્ઞા ગ્રહણ કરી અને પ્રતિજ્ઞાપત્ર ઉપર સહીઓ કરી હતી. સાથે જ આગામી 23 જાન્યુઆરીના રોજ પણ ભવ્ય સામૂહિક વ્યસનમુક્તિના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં દરબાર સમાજના હજારો લોકો, ગામના સરપંચો અને આગેવાનો એકસાથે ગામમાં દારૂ વેચવો નહીં અને પીવો પણ નહીં, તેમજ અફીણના કસુંબા તેમજ કાંકરી પ્રથા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની પ્રતિજ્ઞા લેશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સાંસદ સભ્યો, ધારાસભ્યો, પોલીસ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.