ગુજરાત સરકારે ચાલુ વર્ષે બજેટમાં રૂપિયા 500 કરોડ ની પશુઓના નિભાવણી માટે ફાળવણી કરી પરંતુ હજુ સુધી ગૌશાળા કે પાંજરાપોળ ને સહાય ની રકમ ન આપતા સંચાલકોને પશુઓ નિભાવવાના ફાંફાં થયા છે અને એકલા બનાસકાંઠા જીલ્લામાં આવેલી 170 જેટલી ગૌશાળા-પાંજરાપોળ ના 80 હજારથી વધુ અબોલ પશુઓની હાલત કફોડી બની છે. સરકારે વિવિધ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની માંગને લઈને બજેટ બેઠકમાં રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
જો કે જાહેરાત બાદ આજદિન સુધી નાણાંની ફાળવણી ન કરતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો મુંજવણમાં મુકાયા છે. જીલ્લામાં 170 ગૌશાળા અને પાંજરાપોળ આવેલી છે. જેમાં 80 હજાર પશુઓ નિભાવવા મુશ્કેલ બન્યા છે. આ બાબતે કાંટ-રાજપુર પાંજરાપોળના સંચાલક ભરત વારીયાએ જણાવ્યું હતું કે ‘સરકારના બેનરો જોઈને દાતાઓ દાન આપવાનું ઓછું કરી દેતા પશુઓને કઇ રીતે નિભાવણી કરવી તેમજ હાલ બનાસકાંઠામાં પાણીની તંગીથી ઘાસચારો મોંઘો થયો છે.’
સરકારની જાહેરાતથી દાન ઘટ્યું
સરકારે બજેટમાં જોગવાઈ કરી પણ સરકાર અમલ ન કરે તો મતલબ શું, જાહેર સ્થળો પર બેનરો લગાવી દેવાના કારણે દાતાઓ પણ જાણે સરકાર પૈસા આપે છે એટલે દાન આપતા નથી. જેથી કરી પશુઓ નિભાવવા મુશ્કેલ બન્યા છે તેમ જીવદયા પ્રેમી અને એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું.
ઘાસચારાની અછત જોવા મળી રહી છે
પાણીના અભાવે ઘાસચારાનું ઉત્પાદન ન થતાં ઉનાળામાં ઘાસચારાની અછત જોવા મળે છે અને ગૌશાળા તેમજ પાજરાપોળના સંચાલકોને પશુઓના નિભાવ માટે ઊંચી કિંમત ચૂકવીને બહારથી લાવવાની નોબત આવી પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.