વ્યાજના ચક્કરમાં આવીને અનેક પરિવારોએ બરબાદ થઈને જીવન ટૂંકાવ્યું છે. બાળકો સહિત આખી પેઢીએ આપઘાત કર્યો હોવાના સમાજમાં અનેક દાખલા બનતા પોલીસ હવે વ્યાજખોરો પર આક્રમક બનવા જઈ રહી છે. ત્યારે ડીસા પોલીસ દ્વારા વ્યાજખોરો સામે સોશ્યલ મીડિયામાં જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને વ્યાજની ચુંગાલમાં ફસાયેલ વ્યક્તિ પોલીસને કોઈપણ પ્રકારના પુરાવા આપશે તો તરત એક્શન લેવા અપીલ કરી છે.
નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દર વસૂલી શકાશે નહીં
બનાસકાંઠા જિલ્લા પોલીસના ડીસા ડિવિઝન દ્વારા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણા ધીરધારનો કે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. તે મુજબ સોશિયલ મીડિયામાં પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે. જેમાં નાણાં ધીરનાર વ્યક્તિએ સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દર પણ વસૂલી શકશે નહીં અને જો કોઈ આવું કૃત્ય કરશે તો ગંભીર સજાને પાત્ર થશે તેમ પણ જણાવ્યું છે.
પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ લોકોને પુરાવા આપવા અપીલ કરી
પોલીસે ડીસાના નાગરિકોને સોશ્યલ મીડિયા થકી પણ અપીલ કરી છે કે, તમારા વિસ્તારમાં આવી ગેરકાયદેસર નાણા ધિરનારની પ્રવૃત્તિ ચાલતી હોય તો નજીકના પોલીસ સ્ટેશને સંપર્ક કરવું. જ્યારે વ્યાજની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થયા છે. સામૂહિક આપઘાતના પણ બનાવો બન્યા હોવાથી પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ લોકોને પુરાવા આપવા અપીલ કરી છે. જેમાં વ્યાજખોરો વિરુદ્ધ વિડિયો, ઓડિયો ક્લિપ, હિસાબની ચિઠ્ઠી કે ડાયરી કોઈપણ પ્રકારના બાનાખત દસ્તાવેજ કે લખાણ કરેલા હોય તો તે તેમજ વ્યાજખોર દ્વારા અપાયેલી પહોંચ, રીસીપ્ટ, કરાર, સમજૂતી, એગ્રીમેન્ટ જેવા તમામ પુરાવાઓ કોઈપણ વ્યક્તિ રજૂ કરશે તો વ્યાજખોર વિરુદ્ધ કડક પગલાં લેવાશે. આમ પોલીસે ગેરકાનૂની રીતે વ્યાજખોરિનો ધંધો કરતા લોકોને ડામવા સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.