સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ જાહેર રસ્તા પર નડતરરૂપ તેમજ સરકારી કે બિન નંબરી જમીનમાં ઊભા થયેલા ધાર્મિક દબાણો હટાવવા વહીવટી તંત્રની ફરજ બને છે. પરંતુ અમુક ધાર્મિક દબાણો વર્ષો જૂના હોવાથી તેમજ સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી હોવાથી આ દબાણો દૂર કરવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે જોખમરૂપ સાબિત થાય છે. ત્યારે ડીસા શહેરમાં પણ 46 જેટલા ધાર્મિક દબાણો તોડવા માટે નગરપાલિકા દ્વારા પોલીસ અને વહીવટી તંત્રનો સહયોગ માંગવામાં આવ્યો છે.
અમુક દબાણો સમજાવટથી ડિમોલિશન કરાયા
ડીસા શહેરમાં તાજેતરમાં જ ધાર્મિક દબાણો દૂર કરવા બાબતેની બેઠક મળી હતી. જેમાં અગાઉ નગરપાલિકાએ ધાર્મિક દબાણનું લિસ્ટ બનાવ્યું હતું. જે પૈકી અમુક દબાણો પાલિકા અગાઉ દૂર કર્યા છે. જ્યારે નવા દબાણ ન થાય તે માટે પૂરતી તકેદારી પણ રાખી છે. જોકે અમુક ધાર્મિક દબાણો 30 વર્ષથી વધુ જુના સમયના હોવાથી તેમજ સ્થાનિક રહીશોની ધાર્મિક લાગણી પણ જોડાયેલી હોવાથી નગરપાલિકા એકલા હાથે કામ કરી શકે તેમ નથી. જેમાં પાલિકાના પદાધિકારીઓ પણ પોતાના વોર્ડ વિસ્તાર સ્તરે ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા હોય છે. જેથી અમુક દબાણો સમજાવટથી ડિમોલિશન કરાયા છે.
જિલ્લા-તાલુકા વહીવટી તંત્રનો પૂરતો સહયોગ જરૂરી
પરંતુ 46 જેટલા ધાર્મિક દબાણો જે જાહેર રસ્તા ઉપર નડતર રૂપ સ્વરૂપે, મુખ્યત્વે સરકારી જમીન ઉપર, નગરપાલિકાના રસ્તા પૈકી તેમજ બિન નંબરી જમીનમાં અતિક્રમણ રૂપે ઉભા થયેલા છે. તે દબાણ હટાવવા બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ અંગે ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જિલ્લા કલેક્ટરને 46 ધાર્મિક દબાણોની યાદી સૂચિત કરી આ દબાણો હટાવવા દબાણ હટાવ કામગીરીમાં પોલીસ અને જિલ્લા તેમજ તાલુકા વહીવટી તંત્રનો પૂરતો સહયોગ અને સહકાર હોય તો જ આ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરવા કાર્યવાહી થઈ શકે છે તેમ જણાવ્યું છે.
દબાણની યાદીમાં મુખ્ય મંદિરો
ડીસા નગરપાલિકાએ સૂચિત કરેલી ધાર્મિક દબાણોની યાદીમાં શહેરના મુખ્ય મંદિરો ગણાતા જલારામ મંદિર, ગાયત્રી મંદિર, ખોડીયાર મંદિર, સંતોષી માતાનું મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, રામાપીર મંદિર સહિતના મંદિરો મુખ્ય મંદિરો તેમજ ઈમામ હુસેનનો છીલ્લો મસ્જિદ ધાર્મિક દબાણની યાદીમાં સમાવેશ કરાયો છે.
નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ ન હતી
ડીસા શહેરમાં જાહેર રસ્તા પર, સરકારી તેમજ બિન નંબરની જમીન પર આવેલા ધાર્મિક દબાણોની સૂચિ નગરપાલિકાએ વર્ષ 2012માં પણ બનાવી હતી. તે સમયે પણ સુપ્રીમ કોર્ટે ધાર્મિક દબાનો દૂર કરવા ગાઈડ લાઈન આપી હતી, પરંતુ અનેક ધાર્મિક સ્થળોમાં લોકોની લાગણી જોડાયેલી હોવાથી તેમજ દબાણ હટાવ કાર્યવાહી થાય તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બગડી શકે તેવી સ્થિતિ હોવાથી નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.