આંદોલનનાં એંધાણ:સરકારે ગૌશાળા -પાંજરાપોળને સહાય નહીં ચૂકવતાં હવે આંદોલનનાં એંધાણ

ડીસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે ડીસાની કાંટ પાંજરાપોળ ખાતે સંચાલકોની બેઠક યોજાશે

બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોને પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય તાત્કાલિક ચુકવવામાં આવે તે માટે સોમવારે કાંટ ખાતે બેઠક યોજાનાર છે. સરકાર દ્વારા બજેટમાં ગૌશાળા - પાંજરાપોળના નિભાવ માટે 500 કરોડની સહાયની પશુઓ માટે જાહેરાત કરી હતી. તે જાહેરાતને ચાર મહિના કરતા વધુ સમયવિતી જવા છતાં સરકાર તરફથી આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સંચાલકો દ્વારા વારંવાર જવાબદાર નેતાઓને રૂબરૂ મળી રજૂઆતો કરવામાં આવી તેમ છતાં નેતાઓ તરફથી ફક્ત જૂઠા વાયદાઓ અપાય છે.

કોરોનાકાળ બાદ પ્રવર્તતી આર્થિક મંદીના કારણે ગૌશાળા અને પાંજરાપોળ માટે આધાર સ્તંભ ગણાતી દાનની આવક ઓછી થઈ ગઈ છે. જાહેરાત બાદ દાનનો પ્રવાહ સાવ ઘટી ગયો છે. બીજી બાજુ ઘાસચારાના ભાવો આસમાને પહોંચી ગયા છે. તેથી અબોલ પશુ જીવોને જીવાડવા અને સંસ્થા ચલાવવી દુષ્કર થઇ પડી છે.

જેથી પશુઓને બચાવવા અને સરકારને જગાડવા નાછૂટકે સ્વ.ભરતભાઇ કોઠારીના માર્ગે ચાલી સૌ ગૌશાળા-પાંજરાપોળના સંચાલકોએ એક થઈ સરકાર સામે આંદોલન છેડવાની નોબત આવી છે. જેથી આંદોલનની રણનીતિ ઘડવા વિચાર વિમર્શ માટે શ્રી રાજપુર-ડીસા પાંજરાપોળ, કાંટ વિભાગ ખાતે તા.11 જુનને સોમવારના રોજ સવારે 10-00 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠકમાં ગૌશાળા -પાંજરાપોળથી સંલગ્ન પૂજ્ય સાધુ સંતો-મહંતો તેમજ જવાબદાર સંચાલકો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...