તસ્કરી:ડીસામાં પરિવાર સૂતો રહ્યો અને ઘરમાંથી રૂ.1 લાખની મત્તા ચોરાઈ

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આકાશ વિલા સોસાયટીમાં તસ્કરો દરવાજાના નકૂચા તોડી ઘરમાં ઘૂસ્યા

ડીસાની આકાસવિલા સોસાયટીમાં પરિવાર ઘરની બહાર ઓસરીમાં સુતો રહ્યો ત્યારે ગુરુવારે મોડી રાતે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજીત રૂ.1 લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિકની ચોરીની જાણ થતાં તાત્કાલિક મકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાની આકાસવિલા સોસાયટીમાં રહેતા શૈલેષકુમાર મયારામ પંડ્યા ગુરુવારે રાત્રે પોતાના પરિવાર સાથે ઘરની આગળ ઓસરીમાં સૂતાં હતાં.

તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મકાનના પાછળના ભાગે દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ ઘરમાં પડેલ તિજોરીના લોક તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત અંદાજિત એક લાખ ઉપરાંતની ચોરી કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. શૈલેષકુમાર પંડ્યા જ્યારે સવારે ઉંઘમાંથી ઉઠી ઘરમાં પ્રવેશ કરતા ઘરમાં સામાન વેરવિખેર જોવા પડ્યો હતો અને તપાસ કરતા તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તિજોરીમાં પડેલ દાગીના અને રોકડ રકમ પણ જોવા મળી નહતી.

આમ ઘરમાં ચોરી થયા હોવાનું જાણ થતાં તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરાઇ હતી. જે બાદ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...