ડીસા નગરપાલિકાના બોર પરથી વારંવાર ચોરી:કોર્પોરેટરે ચીફ ઓફિસર સામે કાર્યવાહીની માગ કરતા ફરિયાદ નોંધાઇ; પાંચ વાર ચોરી છતાં ફરિયાદ બાબતે ગંભીર નહીં

ડીસા4 દિવસ પહેલા

ડીસા નગરપાલિકા હસ્તકના ચાર બોર પરથી વારંવાર થયેલી કેબલ ચોરી તેમજ પાલિકાના સ્ટોર વિભાગમાંથી સ્ટ્રીટ લાઈટની ચોરી બાબતે નગરપાલિકા દ્વારા એક પણ વખત પોલીસ ફરિયાદ ન કરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરાયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વારંવાર ચોરી થતી હોવા છતાં ફરિયાદ ન નોંધાતા કોર્પોરેટરે પોતાની રજૂઆતમાં ચીફ ઓફિસરની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.

ડીસા નગરપાલિકા હસ્તકના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત કેબલ વાયરની ચોરી થઈ હતી. જ્યારે એસ સી ડબલ્યુ હાઇસ્કુલ કમ્પાઉન્ડમાં આવેલા પાણીના બોર પરથી તેમજ રાજપુર વિસ્તારમાં આવેલા પાણીના બોર પરથી બે વખત કેબલ વાયરની ચોરી થઈ હતી. આ ઉપરાંત ડીસા કોલેજ રોડ ઉપર લગાવેલા સ્ટ્રીટ લાઇટની પણ ચોરી થઈ હતી. આ બાબતે ડીસાના નગરજનો તેમજ ડીસા વોર્ડ નંબર ચારના આમ આદમીના કોર્પોરેટર તેમજ આમ આદમી પાર્ટીના ડીસા શહેર પ્રમુખ વિજય દવે ચીફ ઓફિસરને વારંવાર લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરી આ ચોરી બાબતે પોલીસ ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું.

તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા એક પણ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. ચોરીની ફરિયાદ ન નોંધાતા ચોરોને જાણે મોકળો મેદાન મળી રહ્યું છે, તેમ વારંવાર ચોરી કરતા હતા. જેથી કોર્પોરેટર વિજય દવે ચીફ ઓફિસરને આ ચોરી બાબતે લેખિત એફઆઈઆર કરવા રજૂઆત કરી તેમજ રજૂઆતમાં ચીફ ઓફિસર ફરિયાદ નહીં કરે તો પોતે પોલીસ ફરિયાદ કરશે અને ચીફ ઓફિસર પણ આ ચોરીમાં મદદગાર છે. તેમ સમજી તેમની સામે પણ એફઆઇઆર નોંધાવવામાં આવશે. તેવી રજૂઆત કરી હતી. તેના પગલે નગરપાલિકા અધિકારી સુરેશ જાદવે ચોરી બાબતે અજાણ્યા ઇસમો સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ચોરીમાં મદદગારીના આક્ષેપથી સીઓએ ફરિયાદ નોંધાવી છે. ડીસા પાલિકા હસ્તકની મિલકતની વારંવાર ચોરી થતી હોવા અને તેની રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર ફરિયાદ ન નોંધાવતા કોર્પોરેટર વિજય દવે આખરી રજૂઆત પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, જનતાના ટેક્સના પૈસાની ખરીદેલી વસ્તુની ચોરી થતી હોવા છતાં ચીફ ઓફિસરે કોઈ કામગીરી કરેલી નથી અને તેઓની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયેલા છે. તેમજ ચોરીની બાબત તેઓની જાણમાં હોવા છતાં ફરિયાદ ન કરી તેમાં મદદગાર હોય તે રીતે કાર્ય કરી રહ્યા હોવાથી જો 24 કલાકમાં ચોરી બાબતની ફરિયાદ પોલીસ ફરિયાદ નહીં નોંધાય તો ચીફ ઓફિસર સામે પણ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી રજૂઆત પત્રમાં આપી હતી. જેથી ચીફ ઓફિસરે તાત્કાલિક આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે નગરપાલિકાએ અત્યાર સુધી શા માટે ચોરીની ફરિયાદ નથી નોંધાવી તે બાબતે પણ તપાસ કરવાની કોર્પોરેટરે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...