ડીસા પાલનપુર હાઇવે પર ટોલપ્લાઝા બનતો હોવાની અફવા:ભાજપ ઉમેદવારએ કહ્યું- કોંગ્રેસ અત્યારે હાર જોઈ ગઈ હોવાથી લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી અફવા ફેલાવે છે

ડીસા3 દિવસ પહેલા

ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા ઉભું થઈ રહ્યું હોવાની અને આગામી દિવસોમાં ટોલટેક્સ વસૂલવામાં આવશે તેવી વાતો સોશિયલ મીડિયા દ્વારા વહેતી થઈ હતી. પરંતુ આ વાતો માત્ર અફવા છે અને આવો કોઈ ટોલટેક્સ લેવામાં આવશે નહીં તેવો ખુલાસો કરી કોંગ્રેસ અફવાઓ ફેલાવી અરાજકતા ફેલાવતી હોવાનું ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ જણાવ્યું હતું.

પ્રવીણ માળીએ ખુલાસો કરતો વીડિયો વાયરલ કર્યો
વિધાનસભાની ચૂંટણી માટે અત્યારે પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વિપક્ષો પ્રજાને આકર્ષવા સત્તા પક્ષ કેવા પ્રજા વિરોધી કાર્ય કરી રહી છે તેવી વાતો બજારમાં મૂકી રહ્યાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ડીસા પાલનપુર હાઇવે પર ચંડીસર પાસે ટોલ પ્લાઝા ઉભો થઈ રહ્યો હોવાનું અને અદાણી કંપની દ્વારા આગામી સમયમાં ટોલટેક્સ ઉઘરાવવામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી. જ્યારે હાલમાં ચાલી રહેલા કામના ફોટો અને વિડિયો પણ વાઇરલ થયા છે. ત્યારે આ અંગે ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ ખુલાસો કરતો વીડિયો વાયરલ કર્યો છે.

લોકોને આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું
જેમાં તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ અત્યારે હાર જોઈ ગઈ હોવાથી લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી અફવા ફેલાવે છે. ડીસા પાલનપુર હાઇવે પર કોઈ પ્રકારનું ટોલનાકું બનતું નથી અને કોઈ પ્રકારનો ટોલટેક્સ લેવાશે નહીં. જ્યારે આ અંગે ચંડીસરના સરપંચ દ્વારા પણ એક પોસ્ટ વાઇરલ કરાઈ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચંડીસર હાઈવે પર હાલમાં ચાલી રહેલું કામ પાણી નિકાલ માટે RCC બોક્ષ કલવટ બનાવવાનું કામ ચાલે છે. અહીં કોઈ ટોલનાકુ બનવાનું નથી તેવી નેશનલ હાઇવેના અધિકારીઓ સાથે પણ વાત થઈ છે. જેથી લોકોને આવી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...