ઠાકોર સમાજનું સ્નેહમિલન:ડીસા બેઠક પર સૌથી વધુ મતદારો ધરાવતા ઠાકોર સમાજને ટિકિટ આપવા માગ

ડીસા24 દિવસ પહેલા

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા મહાશક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં હજારોની સંખ્યામાં દરેક સમાજના લોકો હાજર રહ્યા હતા.

ભાજપ અને કોંગ્રેસના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા
ઉત્તર ગુજરાતમાં સહુથી મોટી વોટબેંક ધરાવતા ઠાકોર સમાજ દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા આજે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડીસાના વેપારી આગેવાન અને ભાજપના લેબજી ઠાકોર દ્વારા આજે ડીસા-થરાદ રોડ પર જોરાપુરા ગામ નજીક આવેલા રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે સર્વ સમાજનું બિન રાજકીય સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય આગેવાનો આજે એક મંચ પર જોવા મળ્યા હતા.

હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયાં
ડીસા વિધાનસભા બેઠક પર સહુથી વધુ મત સંખ્યા ઠાકોર સમાજની છે અને તેમ છતાં તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ડીસા બેઠક પર રબારી સમાજના ઉમેદવારની જાહેરાત કરતા ઠાકોર સમાજના ઘણા આગેવાનોએ આગળ આવીને કોંગ્રેસમાંથી તેમના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા, ત્યારે ડીસા બેઠક પર પણ ભાજપ, કોંગ્રેસ જેવી ભૂલ ના કરે તે માટે આજે ઠાકોર સમાજે સંગઠિત બનીને મહાશક્તિ પ્રદર્શન કર્યું હતું. માત્ર ચોવીસ કલાકમાં જ સ્નેહમિલનનું આયોજન કરીને હજારોની સંખ્યામાં લોકોને એકત્રિત કરવામાં સફળ રહ્યા હતા.

મહાશક્તિ પ્રદર્શનમાં સંતો પણ હાજર રહ્યા
સ્નેહમિલનના મુખ્ય આયોજક લેબજી ઠાકોર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં પોતે ડીસા બેઠક માટે ભાજપના દાવેદાર હોવાની વાત કરી હતી. ડીસા ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલા મહાશક્તિ પ્રદર્શનમાં સંતો પણ ઉપસ્થતિ રહ્યા હતા. આમ, તો આ સ્નેહમિલન બિન રાજકીય સંમેલન હતું, પરંતુ નાગપુરી બાબજી દ્વારા ભાજપને ટકોર કરતા જણાવ્યું હતું કે, ડીસા બેઠક પર સહુથી વધુ મત ધરાવતા ઠાકોર સમાજને જો ઉમેદવાર તરીકે જાહેર કરવામાં નહીં આવે તો તેનું ગંભીર પરિણામ પક્ષને ભોગવવું પડી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...