પાલનપુરના શિક્ષક બન્યા પેડમેન:શિક્ષકનું "સમસ્યા નહિં, સમાધાન" નામે અભિયાન; ભાદરા શાળામાં દીકરીઓની માસિક ધર્મ બાબતે અંધશ્રદ્ધા દૂર કરી પેડનું વિતરણ કર્યુ

ડીસાએક મહિનો પહેલા

પ્રવર્તમાન સમયમાં માસુમ દીકરીઓ ઘણીવાર 12 વરસની નાની ઉંમરે પણ માસિક ધર્મ (પિરિયડ્સ)ના કાર્યકાળમાં પ્રવેશતી હોય છે. પૂરતી સમજ ના હોવાથી માસિક ધર્મ (પિરિયડ)નું દર્દ, સાથે દાગ પડવાની ઝંઝટ અને જાહેરમાં તે શરમ પણ અનુભવતી હોય છે. ત્યારે પાલનપુરના કલા શિક્ષકે ડીસાની ભાદરા પ્રાથમિક શાળામાં જઈને દીકરીઓને માસિક ધર્મ વિશેની અંધશ્રદ્ધા દૂર કરી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે સમજણ આપી સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું.

"સમસ્યા નહિં, સમાધાન" નામે એક સકારાત્મક અભિયાન
દીકરીઓના માસિક ધર્મ બાબતે આજના આધુનિક સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાને તિલાંજલી આપવા અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય શાળાઓમાં જઇ દીકરીઓના માતા-પિતાને આ બાબતે વૈજ્ઞાનિક અભિગમ દાખવવા કલાશિક્ષક નયન ચત્રારિયા એક અનોખી ફરજ અદા કરી રહ્યાં છે. સાથે જરૂરિયાતમંદ દીકરીઓને મફત સેનેટરી પેડનું વિતરણ કરી જુની પ્રણાલી નાબુદ કરવા "સમસ્યા નહિં, સમાધાન" નામે એક સકારાત્મક અભિયાન ચલાવી રહ્યાં છે.

પાલનપુરના કલા શિક્ષક વાસ્તવિક જીવનમાં પેડમેન બન્યા
નયન ચત્રારિયા પોતે કલાશિક્ષક હોવાની સાથે ઉત્તર ગુજરાતના જાણીતા એન્કર અને ફિલ્મ મેકર પણ છે. તેઓ આજે ડીસા તાલુકાની ભાદરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા અને ગ્રામીણ વિસ્તારની દીકરીઓને માસિક ધર્મ અંગે પૂરતી સમજણ આપી હતી. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની જરુરિયાતમંદ દીકરીઓને અત્યાર સુધી બે લાખ ઓગણીસ હજાર રૂપિયાના ખર્ચે 1 લાખથી પણ વધૂ સંખ્યામાં મફત સેનેટરી પેડ આપી યુવા કલાશિક્ષક નયન ચત્રારિયાએ વાસ્તવિક જીવનમાં પેડમેન બની આજના યુવાનોને અને સમાજને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...