શુદ્ધ દેશી ઘીના નામે નકલી ઘી?:ડીસામાંથી શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઇ; ફૂડ વિભાગે હાસ્ય પ્રીમિયમ દેશી ઘીના સેમ્પલ લીધા

ડીસાએક મહિનો પહેલા

બનાસકાંઠાના ડીસા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શુદ્ધ દેશી ઘીના નામથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીમાંથી ઘીના સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ઘીનો તેમજ પેકેજીંગ મટીરીયલનો મોટો જથ્થો સીઝ કરાયો
ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર સહિતની અનેક ખાદ્યચીજોની બનાવટ અને ભેળસેળની પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. અવારનવાર આવો શંકાસ્પદ ઘી-તેલનો જથ્થો ઝડપાયો હોવા છતાં આજદિન સુધી આવી ભેળસેળની પ્રવૃત્તિ કરતા તત્વોને ડામવા ફૂડ વિભાગ નિષ્ફળ રહ્યું છે. ત્યારે આજે ગુરૂવારે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી ઘી બનાવતી ફેક્ટરીમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ફેક્ટરીમાં હાસ્ય બ્રાન્ડ નામથી શુદ્ધ ગાયનું ઘી બનાવવામાં આવતું હતું. જો કે ઘી બનાવવામાં શંકાસ્પદ તેલનો ઉપયોગ કરી અંદર પ્રિઝર્વેટીવ તેમજ કેમિકલ નાખી ઘી બનાવવામાં આવતું હોવાનું જણાતાં વિભાગ દ્વારા મોટી માત્રામાં ઘીનો જથ્થો તેમજ પેકેજીંગ મટીરીયલનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

હાસ્ય બ્રાન્ડ નામનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો
અધિકારીઓના જણાવ્યા મુજબ ડીસા જીઆઇડીસીમાં બનાવટી ઘી બનાવતું હોવાની બાતમી મળી હતી. જેમાં તપાસ કરતાં હાસ્ય બ્રાન્ડ નામનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તમામના સેમ્પલ લેવાયાં છે. વેપારીઓ બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી ઘી બનાવી બેરોકટોક રીતે માર્કેટમાં વેચી રહ્યા છે. અગાઉ અનેક વખત ફુડ વિભાગ દ્વારા રેડ કરી સેમ્પલ લેવાયા છે. ત્યારે આ વખતે ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલ બાદ આવા તત્વો સામે કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...