નિવૃત સૈનિકનો અનોખો સેવા યજ્ઞ:ડીસામાં ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી શરૂ કરી; 100 યુવાનો નોકરી નહીં લે ત્યાં સુધી ફરવા ન જવા પ્રતિજ્ઞા

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં એક નિવૃત સૈનિકે પોતાની સમાજના વિકાસ માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. નોકરી પૂર્ણ કર્યા બાદ સમાજમાં જાગૃતિ લાવવા નિઃશુલ્ક લાઇબ્રેરી શરૂ કરી છે. અને સમાજના સહયોગથી ચાલતી આ લાયબ્રેરીમાં અભ્યાસ કરી અનેક યુવાનો સરકારી નોકરી મેળવી રહ્યાં છે.

17 વર્ષ‌ સુધી સરહદની રક્ષા કરી પોતાની ફરજ અદા કરી
ડીસા તાલુકાના ઢુવા ગામ ખાતે રહેતા રસિકજી ઠાકોર નિવૃત્ત સૈનિક છે. આ યુવકે 17 વર્ષ‌ સુધી ભારતીય સેનામાં દેશની સરહદની રક્ષા કરી પોતાની ફરજ અદા કરી છે‌. ફરજ પૂરી કર્યા બાદ જ્યારે પોતાના વતન ખાતે આવ્યાં ત્યારે તેમને જાણવા મળ્યું કે, તેમના સમાજમાં શિક્ષણનો ખૂબ જ અભાવ છે અને યુવાનો પણ અનેક વ્યસનોથી ઘેરાયેલા છે. ત્યારે આ યુવકે સમાજના લોકોને જાગૃત કરવા તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા એક અભિયાન શરૂ કરવાનો વિચાર કર્યો અને સમાજના કર્મચારીઓનું એક ગ્રુપ બનાવી તપાસ કરતા જાણવા મળ્યું કે સમાજ શૈક્ષણિક રીતે પછાત છે.

વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી બનાવવાનું વિચાર આવ્યો
અનેક વિદ્યાર્થીઓ ગરીબ હોવાથી ભણી નથી શકતા અને આવા વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી બનાવવાનું વિચાર આવ્યો. કારણ કે ઠાકોર સમાજમાં માર્ગદર્શન વગર ઘણા બાળકો રખડતા હતા ત્યારે પ્રથમ કમિટી બનાવી જેમાં 70 લોકો જોડાયા અને દરેક પાસેથી એક-એક હજાર રૂપિયા લઈ 70 હજાર રૂપિયા ભેગા કરી ડીસામાં ભાડેથી લાઇબ્રેરીની શરૂઆત કરી.

શરૂઆતમાં 15 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા
શરૂઆતમાં 15 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા અને મહિને 25,000નો ખર્ચ થવા લાગ્યો. પરંતુ આ યુવકની પહેલને કારણે સમાજના લોકો પણ ખોટા ખર્ચા બંધ કરી શિક્ષણમાં ખર્ચ કરવા લાગ્યા. ત્યારબાદ જે લોકોના જન્મદિવસ કે પછી પુણ્યતિથી કે પછી મકાનનું ઉદ્ઘાટન જેવા પ્રસંગોમાં જે ખર્ચો થતો તે તમામ પૈસા સમાજના વિકાસ માટે શરૂ કરેલી લાયબ્રેરીમાં આપવા લાગ્યા.

2 વર્ષમાં પોતાની જગ્યા ખરીદી
બાદ ધીરે ધીરે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ગુજરાતના અલગ અલગ જગ્યાએથી લોકો જોડાવા લાગ્યા અને અત્યાર સુધી 258 સભ્યો જોડાયા છે અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ તૈયાર કરાયું છે. જે બાદ 2 વર્ષમાં પોતાની જગ્યા ખરીદી અને ઠાકોર સમાજની લાયબ્રેરી તૈયાર કરી આ લાઇબ્રેરી અત્યારે 24 કલાક ચાલતી એકમાત્ર લાઇબ્રેરી ઠાકોર સમાજ કર્મચારી મંડળ સંચાલિત ઠાકોર સમાજ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીમાં 150થી વધુ યુવા-યુવતીઓ લાઇબ્રેરીમાં નિ:શુલ્ક અભ્યાસ કરવા માટે આવે છે.

સમાજને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા સમાજના લોકો મદદે આવ્યા
આ લાયબ્રેરી થકી 31 લોકો અલગ અલગ સરકારી નોકરીમાં પાસ થયા છે. આમ રસિકજી ઠાકોરની પહેલથી ઠાકોર સમાજમાં ધીમે ધીમે શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવવા લાગી છે. તેમજ લોકો પણ જાગૃત થવા લાગ્યા છે અને સમાજમાં તથા ખોટા ખર્ચા બંધ કરવા લાગ્યા છે. સમાજને શિક્ષણ પ્રત્યે આગળ લાવવા સમાજના લોકો મદદ કરી રહ્યા છે.

અત્યાર સુધી કુલ 31 લોકો સરકારી ભરતીમાં પાસ થયા
રસિકજી ઠાકોરે જણાવ્યું હતું કે, નોકરી પૂર્ણ થયા બાદ શિક્ષણના કામે લાગ્યો હતો અને આજે મારા દ્વારા કરાયેલી શરૂઆતને સફળતા પણ મળી છે. સમાજ દ્વારા તૈયાર કરાયેલી લાઇબ્રેરીમાંથી 3 છોકરીઓ અને 12 છોકરાઓ બીએસએફ, ક્લાર્ક, પોલીસ, આરોગ્ય, અને ફોરેસ્ટ વિભાગમાં લાગ્યા છે અને અત્યાર સુધી કુલ 31 લોકો સરકારી ભરતીમાં પાસ થયા છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, જ્યાં સુધી સમાજમાંથી 100 લોકોને સરકારી નોકરી નહીં લાગે ત્યાં સુધી કોઈ જગ્યાએ ફરવા નહીં જાઉં.

અન્ય સમાચારો પણ છે...