બનાસકાંઠાના ડીસામાં આજે ઠંડીનો પારો ગગડી લઘુતમ તાપમાન 6.9 ડિગ્રી નોંધાયુ હતું. એક જ દિવસમાં સાડા ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા લોકોએ અસહ્ય ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ડીસા તાલુકાના કાંટ ગામ સહિત આજુબાજુના કેટલાક વિસ્તારોમાં ઘર બહાર ઉભેલી ગાડી પર બરફ જામી જતા લોકોએ કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો.
અસહ્ય ઠંડીના કારણે કાશ્મીર જેવો અહેસાસ
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે તેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ અસહ્ય ઠંડીનો એહસાસ લોકોએ કર્યો હતો. આજે સિઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. એક જ દિવસમાં તાપમાનનો પારો ગગડી 6.9 ડિગ્રી પહોંચ્યો હતો. જેના કારણે અસહ્ય ઠંડીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. ડીસા તાલુકાના કાંટ ગામે પણ ઘરની બહાર ઊભેલી ગાડી અને પાણી ભરેલા વાસણોમાં બરફ જામી જતા લોકોએ ઠંડીનો આનંદ મળ્યો હતો અને અસહ્ય ઠંડીના કારણે કાશ્મીર જેવો અહેસાસ કર્યો હતો.
ઠંડીના કહેરનો સામનો કરવો પડશે તેવી આગાહી
ગરમ વસ્ત્રોમાં ગોટમોટ થયા હોવા છતાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. વહેલી સવારે નીકળતા લોકો અને મુસાફરી કરતા લોકોએ પણ તાપણાનો સહારો લઈ ઠંડીથી બચવા પ્રયાસો કર્યા હતા. જ્યારે સૌથી વધુ અસર શાળાએ જતા બાળકો પર જોવા મળી હતી. વહેલી સવારે શાળામાં જતા બાળકો ધ્રુજતા ધ્રુજતા શાળાએ પહોંચ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડીના કહેરનો સામનો લોકોએ કરવો પડશે તેવી આગાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.