ખેડૂતોનું જળ અભિયાન રંગ લાવ્યું:ડીસામાં વરસાદના બીજા રાઉન્ડમાં ખેત તલાવડીઓ છલોછલ ભરાઈ; લાખો લીટર પાણી સિંચાઈ માટે વપરાશે

ડીસા17 દિવસ પહેલા

ડીસામાં એક વર્ષ પહેલા શેરપુરા ગામના ખેડૂત અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે શરૂ કરેલ જળ અભિયાન રંગ લાવ્યું છે. ડીસા તાલુકામાં બનેલી 25 જેટલી ખેત તલાવડીઓ વરસાદના બીજા રાઉન્ડમાં છલોછલ ભરાઈ ગઈ છે. જેનાથી વરસાદમાં વહી જતા લાખો લીટર પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ હવે સિંચાઈ માટે થશે.

ખેડૂતોએ પોતાની જમીનમાં સ્વખર્ચે ખેત તલાવડીઓ બનાવી
બનાસ નદીમાં પાણી સુકાયા બાદ નદીના કિનારે વસેલા ડીસા પંથકમાં પણ ધીરે ધીરે પાણીના તળ ઉંડા થતા ગયા છે અને આજે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં 1000 ફૂટથી પણ વધારે ઊંડા પાણીના તળ પહોંચ્યા છે. ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામના જાગૃત શિક્ષક અને ખેડૂત તેમજ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે જળ અભિયાન માટે લોકોને જાગૃત કરવાનું કામ હાથ ધર્યું. જેમાં પ્રથમ શેરપુરા માં શિક્ષક અને ખેડૂત અણદાભાઈ જાટે તેમની 10 વીઘા જમીનમાંથી અડધા વીઘા જમીનમાં સ્વખર્ચે એક ખેત તલાવડી બનાવી તેની અંદર ચોમાસામાં વહી જતા 70 લાખ લિટર પાણીનો સંગ્રહ કર્યો અને એ જ પાણીથી આખું વર્ષ ખેતીની જમીનમાં સિંચાઈ કરી જેનાથી તેમને પાણીના તળ ઊંડા જવાની ચિંતા પણ ન રહી અને વીજળીના ઓછા ખર્ચે આખું વર્ષ બાકીની જમીનમાં પિયત પણ કરી શક્યા સાથે સાથે ખેતીના પાકમાં પણ ફાયદો થયો.

ડીસા તાલુકામાં કુલ 25 જેટલી ખેત તલાવડી બનાવાઈ
જે બાદ તેમણે અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીએ જળ અભિયાનની શરૂઆત કરી અન્ય ગામના ખેડૂતોને પણ સમજાવ્યા, અનેક ખેડૂતો અને રાજકારણીઓ પણ તેમની ખેત તલાવડીની મુલાકાત લીધી. તેમની આ ખેત તલાવડી જોઈ અન્ન ખેડૂતોએ પણ પ્રેરણા લઈ અત્યારે ડીસા તાલુકામાં 25 જેટલી ખેત તલાવડી બનાવી છે. જે વરસાદના બીજા રાઉન્ડમાં જ છલોછાલ ભરાઈ ગઈ છે. આમ એક ખેતલાડીમાં 70 લાખ લિટર પ્રમાણે 18 કરોડ લિટર પાણીનો સંગ્રહ થશે. જે પાણી ચોમાસામાં વહી જતું હતું તે પાણીથી હવે આ ખેત તલાવડી બનાવનાર ખેડૂતો પોતાના જ ખેતરમાં આખું વર્ષ સિંચાઈ કરી શકશે, આમ આવનાર સમયમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણી માટે પણ આત્મનિર્ભર બનવાની દિશા માં આગળ વધી રહ્યા છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...