ડીસામાં અમિત શાહની ગર્જના:કહ્યું- મારા ખરાબ દિવસોમાં હું ડીસા 6 દિવસ રોકાયો હતો; મોદીના આવવાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ

ડીસા18 દિવસ પહેલા

ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયમાં 6 દિવસ ડીસામાં પસાર કર્યા હોવાનું જણાવ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાની શકલ બદલી નાખી, જિલ્લાને પછાતપણાનું કલંક મિટાવી રાજ્યમાં સૌથી વધુ વિકાસવંતો જિલ્લો બનાવી દીધો હોવાનું જણાવ્યું હતું.

રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું: શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત સાહે ડીસાના હવાઈ પિલ્લર મેદાન ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, 2004માં સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી તે જિલ્લાની સૌથી મોટી દેન છે. તેના થકી જિલ્લાની કાયા પલટ થઈ છે. આજે ડીસા તાલુકો બટાકાના વાવેતરમાં સમગ્ર દેશમાં નંબર વન પર પહોંચ્યો છે. હવે અટલ ભુજલ યોજના આવે એટલે બનાસકાંઠાની રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે. તેમણે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું કે, અગાઉ બનાસકાંઠાની સરહદો સ્મગલરોની અવરજવરથી ધમધમતી હતી. જેને ભારતીય જનતા પાર્ટીએ સુરક્ષિત કરી છે. કોંગ્રેસના રાજમાં થતા રમખાણો ભાજપના શાસનમાં જોવા મળતા નથી.

મોદીના આવવાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ: શાહ
તેમણે રાહુલ ગાંધી અને કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તેઓ સર્જીકલ સ્ટ્રાઈકની સાબિતી માંગતા હતા. જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલીયા જમાલિયાઓ ગમે ત્યારે ઘુસી જતા હતા. પરંતુ નરેન્દ્ર ભાઈ મોદીના આવવાથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે.

વિશાળ સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યાં
અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, 85થી 90ની સાલમાં ડીસામાં મેં ખૂબ આંટા ફેરા માર્યા છે. જ્યારે મારા ખરાબ દિવસોમાં હું મગનલાલ માળીના ખેતરમાં 6 દિવસ રોકાયો હતો. તેમ જણાવી તેમને ડીસાના અગ્રણી મગનલાલ માળીને પણ યાદ કર્યા હતા. જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પણ યાદ કરી તેમણે જણાવ્યું હતું કે, તમે ડીસામાં પ્રવીણ માળીને જીતાડો તો ડીસામાં પ્રવીણ માળી અને શશીકાંત એમ બબ્બે એમએલએ મળશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...