રજૂઆત:હાંસાપુરની દૂધ સાગર ડેરીમાંથી આવતી દુર્ગંધથી આસપાસના રહીશો ત્રાહિમામ

ડીસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેરીમાં રજૂઆત કરાય ત્યારે હંગામી ઉકેલ કરાય છે પણ કાયમી હલ આવતો નથી

પાટણ-ઉંઝા હાઇવે પર આવેલ દુધસાગર ડેરી શીત કેન્દ્રની સ્થાપના 2002માં કરી હતી ત્યારબાદ ડેરીની આજુબાજુના દોઢ બે કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો ડેરીની માથું ફાટી જાય એવી ભયંકર દુર્ગંધથી ત્રાસી ગયા છે. આ દુર્ગંધને લીધે આ વિસ્તારમાં આવેલ અંદાજિત 20 જેટલી સોસાયટીના 4000 કરતાં પણ વધુ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.

શહેરની સેવન વિલા સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ આ દુર્ગંધ દિવસમાં 8-10 કલાક અને અમુક સમયે તો સળંગ મહીનાઓ સુધી આવતી રહે છે. વિવિધ સોસાયટીના આગેવાનો દ્વારા વારંવાર ડેરીમાં જઈ ફરિયાદો કરવામાં આવે છે તે સમયે ડેરીના કર્મચારીઓ દ્વારા હવેથી મોગરાનો સ્પ્રેનો છંટકાવ કરવામાં આવશે એવો જવાબ આપી હંગામી ઉકેલ કાઢી 4-5 દિવસ સ્પ્રેનો છંટકાવ કરવામાં આવે છે ત્યારબાદ અગાઉની જેમજ દુર્ગંધ ચાલુ રહે છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ કાયમી ઉકેલ આવતો નથી.

રહીશોના જણાવ્યા મુજબ ડેરી દ્વારા સાઈલો, દુધના ટાંકા, ડેરીની લાઈનો તથા અન્ય મશીનરી સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણો પાણીથી સાફ થયા બાદ દૂષિત પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં જાય છે પરંતુ પ્રક્રિયા ખામીયુક્ત હોવાના લીધે સતત દુર્ગંધ આવ્યા કરે છે. છતાં ડેરી દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું એન.ઓ.સી મેળવી લેવામાં આવે છે.

જો યોગ્ય તપાસ કરવામાં આવે તો પર્યાવરણ જે પ્રકારે દૂષિત થઈ રહ્યું છે તે પણ બહાર આવી શકે છે. આ દૂષિત પાણીના નિકાલ માટે ડેરી દ્વારા જો કોઈ વ્યવસ્થા કરાશે નહીં તો આ વિસ્તારના લોકો દ્વારા ટુંક જ સમયમાં જલદ કાર્યક્રમો અપાશે તેમ રહીશોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...