5 દિવસથી આશા વર્કરો હડતાળ પર:ડીસામાં આશા વર્કર અને ફેસિલિટરોની સરકારે વાત ન સાંભળતા રોષ; માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલનની ચીમકી

ડીસા19 દિવસ પહેલા

ડીસામાં આશાવર્કર બહેનોને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવાની જગ્યાએ આપતું ઇનસેન્ટિવ પ્રથા બંધ કરવા સહિતની માંગણીઓ સાથે આશાવર્કર અને આશા ફેસિલિટર બહેનોએ છેલ્લા 5 દિવસથી ધરણા યોજી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગઈ છે. અને જ્યાં સુધી સરકાર તેમની વાત નહીં સાંભળે ત્યાં સુધી જિલ્લાની 4 હજાર જેટલી બહેલો હડતાળ ચાલુ હશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ડીસામાં આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો જિલ્લા પાંચ દિવસથી સરકાર સામે બાયો ચડાવીને બેઠી છે. આરોગ્ય ખાતામાં અન્ય કર્મચારીઓની સાથે ખભેખભો મિલાવીને કામ કરતા આશાવર્કરોને પૂરતો પગાર આપવામાં આવતો નથી. આશાવર્કરોની માંગણીઓ છે કે ઇનસેન્ટિવ જેવી શોષણ પ્રથા બંધ કરી તેઓને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવામાં આવે, વર્ગ ૫ નું નવું મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કરોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કરોનો કામકાજનો સમય ફિક્સ કરવામાં આવે, અન્ય સરકારી કર્મચારી મહિલાઓની જેમ આશા વર્કર બહેનોને પણ 180 દિવસની મેટરનીટી લીવ આપવામાં આવે, ગુજરાત સરકારનું ઓળખ પત્ર આપવામાં આવે, ઓનલાઇન કામકાજ અંતર્ગત એન્ડ્રોઇડ ફોન આપવામાં આવે તેમજ 45 વર્ષથી ઉપરની બહેનોનો પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ માંગણીઓ સાથે ડીસાની આશા વર્કર અને આશા ફેસીલીટર બહેનો છેલ્લા પાંચ દિવસથી સાંઈબાબા મંદિર ખાતે ધરણા પર બેઠી છે. પરંતુ સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ જ ચર્ચા કરવામાં આવી નથી. ત્યારે તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...