બનાસકાંઠામાં ડીસા તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘની માલિકીની ગોડાઉનની કરોડો રૂપિયાની જમીન કોડીના ભાવે વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સંઘના સત્તાધિશોએ અંદાજિત પાંચથી છ કરોડ રૂપિયાની જમીન માત્ર 1.11 કરોડ રૂપિયામાં વેચી દેતા હવે ખેડૂતો અને સહકારી આગેવાનોમાં રોષ વ્યાપ્યો છે અને આ જમીન બારોબાર જમીન વેચી મારી કૌભાંડ આચરનાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
ડીસામાં ખેડૂતોની વિશ્વાસુ ગણાતી સંસ્થા ઘી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે. અગાઉ પણ બોર્ડ ઓફ ડિરેકટરોએ ગેરનીતિ કરતા તેમની સામે ફોજદારી ગુન્હો દાખલ કરી બોર્ડને બરખાસ્ત કરી સરકારે વહીવટી સમિતિની રચના કરી હતી. જેમાં તત્કાલિન ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહીત અન્ય ચાર લોકોની સરકારે વહીવટદાર સમિતિ બનાવી હતી. જે સમિતિએ વહીવટ કરવાના બદલે સંઘની જમીન વેચી દેતા નવો વિવાદ થયો છે. ડીસા તાલુકા સંઘની લાખણી ખાતે 519 ચોરસ મીટરની જમીન પર ગોડાઉન આવેલ છે. જેની માર્કેટ વેલ્યુ અંદાજીત 5થી 6 કરોડોની માનવામાં આવે છે, પરંતુ વહીવટદાર સમિતિએ ઠરાવ કરી રૂ 1.11 કરોડમાં તત્કાલીન ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને મેનેજર ઈશ્વર દેસાઈએ લાખણીના વાલજીભાઇ પટેલને વેચાણ કરી આપી છે.
કરોડોનું ગોડાઉન વેચાણ થયું હોવાની માહિતી જયારે ડીસા સંઘ સાથે જોડાયેલ સેવા સહકારી મંડળીઓ અને સભાસદોને ધ્યાને આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને જિલ્લા રજીસ્ટ્રાર અને સહકાર મંત્રી જગદીશ પંચાલ સહીત ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ લાખણી પંચાયતને જાણ કરી દસ્તાવેજ રદ કરવા માટે રજુઆત કરી હતી. તેમજ સંઘની વહીવટદાર સમિતિ અને વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે, જેમાં આજે ખેડૂતો અને સહકારી આગેવાનોએ ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે.
રજુઆત કરનાર આગેવાનોએ જણાવ્યું હતું કે, લાખણી ગામે તાલુકા સંઘનું ગોડાઉન વગર કારણે વહીવટી સમિતિએ વેચી માર્યું છે. સાથે છથી સાત કરોડની કિંમતનું ગોડાઉન માત્ર 1.11 કરોડમાં વેચી અને ગેરરીતિ કરી છે તેની તપાસ થવી જોઈએ. ડીસા તાલુકા સંઘમા વર્ષોથી મેનેજર તરીકે ઈશ્વરભાઈ દેસાઈ ફરજ બજાવે છે અને તે અનેક બોર્ડ ઓફ ડિરેક્ટરોને ફસાવી તેમના પર રાજકીય વગ વાપરી કેસ કરાવી પોતાનો રોટલો શેકે છે. અગાઉ પણ બે વખત ચેરમેન સામે ગેરનીતિના પુરાવા રજૂ કરી ફરિયાદ કરવી ચુક્યા છે અને આ કેસમાં પણ ઠરાવ બુકમાં સહીઓ કર્યા બાદ ઠરાવ બુકમાં પાછળથી વેચાણ બાબતનો મુદ્દો ઉમેરયો છે. જોકે વહીવટદાર સમિતિના સભ્યો પણ આ ઠરાવ બાબતે અજાણ છે. ત્યારે સરકાર દ્વારા જો તટસ્થ તપાસ થાય તો આમાં અનેક ગેરરીતિ બહાર આવી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.