કોંગ્રેસ કાર્યકરોની ઘર વાપસી:ડીસામાં ટિકિટ બાબતે નારાજ થયેલા 15 આગેવાનોનો પક્ષમાં પુનઃ પ્રવેશ; તમામ ઉમેદવારોને વિજય અપાવવા સંકલ્પ

ડીસા22 દિવસ પહેલા

ડીસા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ અપાતા પક્ષમાંથી નારાજ થઈ રાજીનામનું આપનાર બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ડીસા નગરપાલિકાના બે પૂર્વ પ્રમુખો, જિલ્લા પંચાયત સદસ્યો સહિત 15 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા હતા. જોકે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી તેમને મનાવી લઈ આજે કોંગ્રેસ પક્ષમાં પુનઃ પ્રવેશ આપતા નારાજ આગેવાનોએ ઘરવાપસી કરી હતી.

પક્ષથી નારાજ કાર્યકરોની ઘરવાપસી કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેની પ્રથમ યાદી જાહેર કરી ત્યારે ડીસા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. ડીસા બેઠક પર છેલ્લા કેટલાય સમયથી ગોવા રબારીને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના આગેવાનોએ એક જૂથ થઈ ઠાકોર સમાજને અથવા અન્ય સમાજને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે કોંગ્રેસ પક્ષે ફરીથી ગોવા રબારીના પુત્ર સંજય રબારીને ટિકિટ આપતા તમામ આગેવાનો નારાજ થયા હતા.

કોંગ્રેસના ઉમેદવારોને વિજય અપાવવા સંકલ્પ
જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઘાડિયા, જિલ્લા પૂર્વ યુવા પ્રમુખ સાગર રબારી, રબારી સમાજના આગેવાન નરસિંહ દેસાઈ સહિત 15 જેટલા આગેવાનોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જઈ પોતાના રાજીનામાં ધરી દીધા હતા. જોકે કોંગ્રેસ મોવડી મંડળ અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સાથે મંત્રણાઓ કરી સમજાવટ કરી તેમને પરત કોંગ્રેસમાં જોડાવા જણાવ્યું હતું. જેથી આ તમામ આગેવાનોએ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ ફરીથી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. સાથે જિલ્લાની તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને વિજય અપાવવા સંકલ્પ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...