ડીસામાં કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર:ઝેરડા ગામે ઉમેદવાર સંજય દેસાઈની જાહેરસભા યોજાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના ભાજપ પર આકરા પ્રહારો

ડીસા14 દિવસ પહેલા

ડીસા તાલુકાના ઝેરડા ગામે આજે કોંગ્રેસ ઉમેદવારની જાહેરસભાનું આયોજન કરાયું હતું. ઉમેદવારના પિતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને પિતાની જેમ પુત્ર પણ હંમેશા લોકોની મદદ કરતો રહેશે તેવું વચન આપ્યું હતું.

જીત મોળવવા કોંગ્રેસનું એડી ચોટીનું જોર
ડીસા વિધાનસભા બેઠક પર કબજો મેળવવા માટે કોંગ્રેસ અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. ગામે ગામ અને શહેરના ખૂણે ખૂણે જાહેર સભાઓ યોજી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે આહવાન કરાઈ રહ્યું છે. ત્યારે આજે ડીસા તાલુકાના જેરડા ગામે જાહેર સભા યોજાઈ હતી. જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પી.પી.ભરતીયા, ઉમેદવાર સંજય દેસાઈ, આગેવાન ચમનલાલ વાઘેલા સહિત ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

લોકો કોંગ્રેસને મત આપી પરિવર્તન લાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો ​​​​​​​
ઝેરડા ગામે સભામાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈએ ભાજપને ખેડૂત વિરોધી પાર્ટી ગણાવી હતી. ભાજપ ખેડૂતોના ખાતામાં ભલે બે બે હજાર રૂપિયા આપતી હોય પરંતુ બીજી તરફ ગેસના બાટલા, બિયારણ, ખાતર સહિતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો કરી ખેડૂતોને આપેલા 2 હજાર રૂપિયા કરતા અનેક ગણા પૈસા પરત વસૂલતી હોવાનું કહી ભાજપ પર પ્રહારો કર્યા હતા. જ્યારે ઉમેદવાર સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, અત્યારે ગામેગામ સભા કરતા બેરોજગારીના કારણે યુવાનોમાં, મોંઘવારીના કારણે ખેડૂતોમાં સરકાર સામે ભારે આક્રોશ છે. જેથી આ વખતે લોકો કોંગ્રેસને મત આપી પરિવર્તન લાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...