ચાલક સામે કાર્યવાહી:ડીસા પાસેથી જીવદયાપ્રેમીઓએ 33 ઘેટાં બકરા ભરેલી ગાડી પોલીસને સોંપી; ગાડી સહિત 3.26 લાખનો મુદ્દામાલ જપ્ત

ડીસા25 દિવસ પહેલા

ચૂંટણીના માહોલમાં ડીસાના માલગઢ પાસેથી ગેરકાયદેસર ઘેટા બકરા ભરીને જઈ રહેલું જીપડાલુ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. જીવદયા પ્રેમીઓએ 33 ઘેટા બકરા ભરેલી ગાડી પોલીસને સોંપતા ડીસા તાલુકા પોલીસે ચાલક સામે પશુ અત્યાચાર અધિનિયમ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડીસાના માલગઢ ગામ પાસેથી ઘેટા બકરા ભરેલું જીપડાલુ ઝડપાયુ છે. જીવદયાપ્રેમી ચંદનસિંહ પરમાર માલગઢ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલું જીપડાલુ શંકાસ્પદ લાગતા તેને થોભાવી તલાસી લેતા તેમાં ખીચોખીચ ક્રૂરતા પૂર્વક ઘેટા બકરા ભરેલા હોવાનું જણાયું હતું. જેથી તેમણે અન્ય જીવદયા પ્રેમી સુરેશ પઢીયાર, રમેશ જેઠવા, મયુર ચોકસીને બોલાવી જીપડાલાને પોલીસ પથકે લઈ ગયા હતા. જે અંગે ડીસા તાલુકા પોલીસે 33 ઘેટા બકરા ભરેલા જીપાડાલા સહિત 3.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ઘેટા બકરાઓને રાજપુર પાંજરાપોળને સોંપી ચાલક સુભાનખાન સુમરા સામે પશુ અત્યાચાર અધિનિયમ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...