ડીસાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ નવયુવાન વિકાસ પુરુષનું એડવાન્સ બિરુદ પામેલા પ્રવીણ માળીએ એક્શન મોડમાં આવી જનતાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે પોતાના કાર્યો શરૂ કરી દીધા છે. જેમાં તેઓએ આજે ડીસા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ સિવિલ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેવી અદ્યતન તબીબી સુવિધા કરવાની ખાતરી આપી હતી.
ડીસાના નવયુવાન અને વિકાસ પુરુષ તરીકે જાણીતા પ્રવીણ માળી ધારાસભ્ય બન્યા બાદ તરત જ એક્શન મોડમાં આવી ગયા છે અને ડીસાના વિકાસ માટે સતત પ્રયાસો કરવાના શરૂ કરી દીધા છે. વિકાસની આગવી દ્રષ્ટિ ધરાવતા ધારાસભ્ય પ્રવીણ માળી ડીસાને વિકાસના ઉચ્ચ આયામ પર પહોંચાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજે બપોર બાદ પ્રવીણભાઈ માળીએ ડીસા સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. પ્રવીણ માળી સાથે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃત દવે, ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ મહામંત્રી અશોકભાઇ પટેલ, રમેશભાઈ દેલવાડીયા પણ સાથે રહ્યા હતા.
પ્રવીણ માળીએ આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે રૂબરૂ પહોંચીને તેમના ખબર અંતર પૂછ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી તકલીફોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ડીસા સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાથે બેઠક કરી હતી. જેમાં સિવિલ હોસ્પિટલને કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તે અંગે ચર્ચા કરી હતી. પ્રવીણ માળીએ ડીસા સિવિલ હોસ્પિટલને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જેવી બનાવી તમામ પ્રકારની અદ્યતન તબીબી સુવિધાઓ ડીસામાં જ મળે તેવી ખાતરી આપી હતી. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ડીસાની સરકારી હોસ્પિટલમાં ગરીબ લોકોની સાથે સારા અને શિક્ષિત લોકો પણ સારવાર લેવા માટે આવે તેવી ખાનગી હોસ્પિટલ કરતાં પણ વધુ સારી સુવિધાઓ ઉભી કરાશે. સાથે જ હેપીનેસ ઇન્ડેક્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જેથી અહીં આવનાર દર્દીઓને કેવી સુવિધાઓ મળી છે અને કેટલા ખુશ થઇને પરત ફરે છે તે પણ જાણી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.