ડીસાના કાંટ ગામે સર્વોદય સંકુલના રજત જ્યંતિ મહોત્સવ અને નામકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને ભણતરને માથે ચઢાવી સ્ટેટસ ન બનાવવું જોઈએ. ભણતરની સાથે માતા-પિતાએ આપેલા વિચારો, સંસ્કારોને યાદ રાખજો તેમ મંત્રીએ જણાવ્યું હતું.
ડીસાના કાંટ ખાતે ચાલતી સર્વોદય વિદ્યા સંકુલ ગરીબ અને વિધવા મહિલાઓના દીકરા-દીકરીઓને મફતમાં અભ્યાસ કરાવાની સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે. 11 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી સર્વોદય શાળામાં આજે 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ વિદ્યાસંકુલના પચ્ચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જ્યંતી મહોત્સવ અને નામકરણ વિધિ યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગપતિ પ્રકાશ સંઘવી, નામકરણના દાતા દિનેશચંદ્ર અગ્રવાલ, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશ અનાવડીયા, ધારાસભ્ય પ્રવિણ માળી, પી.એન.માળી, નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, વિક્રમ શેઠ સહીત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શિખામણ આપતા જણાવ્યું હતું કે, ભણતર જીવનમાં ચોક્કસ આગળ લઈ જશે. ભણતર જીવનનો મહત્ત્વનો ભાગ છે પરંતુ ભણતરને માથે ચઢાવી સ્ટેટસ સિમ્બોલ નહીં બનાવતા. ભણતરની સાથે સાથે માતા પિતાએ આપેલા વિચારો અને સંસ્કારોને પણ યાદ રાખજો. વતનના ઋણને યાદ રાખવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે ભલે અભ્યાસક્રમમાં આવતા સિલેબસ ગોખીને સારા માર્ક્સ મેળવી લેશો, પરંતુ સારા નાગરિક કે સારા વ્યક્તિ ત્યારે જ બની શકશો જ્યારે તમે સિલેબસ સિવાય પોતાના વિચારો થકી સમાજને ઉપયોગી બનો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.