ચાઈનીઝ દોરી વેચનાર લોકો સામે તવાઈ:ડીસામાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ખરીદનાર અને વેચનાર બંનેની અટકાયત કરી; ઘરમાં રેડ કરતા 30 નંગ ફીરકીઓ મળી આવી

ડીસાએક મહિનો પહેલા

બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરી અને પતંગ પર પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનું અનેક જગ્યાએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસામાં ચાઈનીઝ દોરી વેચતા એક શખ્સને ઝડપી તે જ્યાંથી દોરી વેચવા લાવ્યો હતો તે વેપારીને પણ ઝડપી લીધો હતો. કુલ 9,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બંને શખ્સોની અટકાયત કરી
ડીસામાં આગામી મકર સંક્રાંતિનાં પર્વને અનુલક્ષીને પતંગ દોરીનાં વેપારીઓ અને તેનાં ગ્રાહકો માટે જીવલેણ બની રહેતી ચાઇનીઝ-પ્લાસ્ટીક દોરી અને ચાઇનીઝ તુક્કલો-પતંગ વેચવા કે ખરીદવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ડીસા શહેરમાં તેનું ધુમ વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી મળતા ડીસા શહેર દક્ષિણ પોલીસે ચંદ્રલોક રોડ પરથી લિયો સ્કૂલ પાસે છૂટક દોરીનું વેચાણ કરતા મદનલાલ ઘનશ્યામદાસ મહેશ્વરી ( રહે. સ્વાગત રો હાઉસ, સી એલ પાર્ક, હેપ્પી નર્સરી સામે, ડીસા)ને ત્રણ ફીરકી સાથે ઝડપી લીધો હતો. તેણે આ દોરી ડીસા લાયન્સ હોલ નજીક આવેલી કિશન સીઝન નામની દુકાનના વેપારી દિલીપ નેચરદાસ સિંધી (રહે, સિંધી કોલોની ,ડીસા )પાસેથી ખરીદી હોવાનું જણાવતા પોલીસે દિલીપ સિંધીના રહેણાંક ઘરે પણ રેડ કરી હતી. જેમાં પોલીસને વેપારી દિલીપ સિંધીના ઘરેથી 30 નંગ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી. આમ પોલીસે રૂપિયા 9,000ની કિંમતની 33 ચાઈનીઝ દોરીની ફીરકીઓ પકડી બંને શખ્સોની અટકાયત કરી હતી. આઇ.પી.સી. 188 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...