બટાકા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા પંથકમાં ચાલુ વર્ષે શિયાળુ સિઝનમાં બટાકાના વાવેતરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 58,902 હેકટરની સામે ચાલુ વર્ષે 53,548 હેકટર જમીનમાં વાવેતર થયું છે. જેથી ગત વર્ષની સરખામણીએ 5354 હેકટર જમીનમાં વાવેતર ઘટયું છે.
જિલ્લામાં શિયાળુ સીઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં રાયડો, ઘઉં, જીરૂ સહીત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે. પરંતુ આ વર્ષે બટાકાનું વાવેતર ઘટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં 58,902 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. જેની સરખામણીમાં ચાલુ વર્ષે 53,548 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે.
જેમાં ખાસ કરીને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 5,354 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર ઘટયું છે. શરૂઆતમાં બટાકાના બિયારણના ઊંચા ભાવો અને ખાતરની અછત તથા વધતી જતી મોંઘવારી વચ્ચે બટાકાના ભાવમાં જોવા મળતા ઉતાર ચઢાવને લીધે ખેડૂતો બટાકા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે. આ ઉપરાંત રાયડો, જીરૂ અને ઘઉં જેવા પાકોના ભાવોમાં વધારો થયો છે. જેથી બટાકાનો પાક બદલતા બનાસકાંઠા જિલ્લામાં બટાકાનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે.
બટાકાના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકોએ આ અંગે કહ્યું હતું કે, ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવો મળતા નથી. આ ઉપરાંત આ વર્ષે શરૂઆતમાં બટાકાના બિયારણના ઉંચા ભાવ રહેવા પામ્યા હતા તથા પોખરાજ જેવા બટાકામાં રોગની શક્યતાઓ વધતા ખેડૂતો પાકની ફેરબદલી કરી અન્ય પાકો તરફ વળ્યા હોવાથી વાવેતર વિસ્તાર ઘટયો હોવાનું અનુમાન છે. ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ બટાકાનું વાવેતર ઘટયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.