103 કિલોની સલોની થઈ 50 કિલોની:'જે ગોલગપ્પા જેવી કહીને હસતા, તે સિક્સ પેક જોઈ ટિપ્સ માટે પાછળ પડે છે', સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું-'મને પણ ડાયટ પ્લાન આપો'

ડીસાએક મહિનો પહેલા

મારા વધતા વજનથી હું હંમેશાં ટેન્શનમાં રહેતી, ધીરે-ધીરે વજન 103 કિલો સુધી પહોંચી ગયું. હવે સ્થિતિ એવી હતી કે હું ના બેસી શકું, ના સૂઈ શકું કે કોઈની મદદ વગર ઊભી પણ નહોતી થઈ શકતી. લોકો મને 'ગોલગપ્પા જેવી લાગે છે' કહીને મારી હસી ઉડાવતા હતા, પણ આજે મારી બોડી જોઈ લોકો કહે છે, 'અમારે પણ સલોની જેવી બોડી જોઈએ'. આ શબ્દો ડીસામાં રહેતી સલોની ઠક્કરના છે, જેણે હાર્ડ વર્ક કરી પોતાના 103 કિલો વજનને ઘટાડીને 50 કિલો સુધી પહોંચાડી દીધું. એટલું જ નહીં, આજે સલોનીનું ઝીરો સાઇઝ ફિગર જોઈ સામાન્ય લોકોની સાથે સ્વાસ્થ્યમંત્રી પણ બોલ્યા, મારે પણ તમારી પાસેથી ડાયટ પ્લાન લેવો પડશે....

'ધીરે-ધીરે વજન વધ્યું ને હું ઓબેસિટીની શિકાર થઈ'
સલોની ઠક્કરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લગ્ન 20 વર્ષ પહેલાં થયા છે અને લગ્ન બાદ બે બાળક પછી તેનું વજન વધવા લાગ્યું, પછી એ ઓબેસિટીની શિકાર થઈ ગઈ. ચાલવા, બેસવા, ઊભા થવામાં પણ તકલીફ થવા લાગી. 103 કિલો વજન થઈ ગયું હોવાથી કોઈ હાથ પકડીને ઊભાં કરે ત્યારે તે ઊભી થઈ શકતી. ધીરે ધીરે તે ઘણીબધી નાની નાની બીમારીઓથી પરેશાન થવા લાગી, મનપસંદ કપડાં પણ પોતાની સાઇઝનાં મળતા નહોતાં. આખરે કંટાળીને તેણે ડાયટ શરૂ કર્યો. ઘણા સમય પછી ડાયટથી શરીરમાં સામાન્ય વજન ઊતર્યું, પરંતુ એનાથી લચક આવી ગઈ અને ઉંમરલાયક હોય એવી સ્કિન દેખાવા લાગી. બાદમાં તેણે જિમ જોઈન કર્યું.

'કોઈ હાઉસવાઇફની ના હોય એવી બોડી બનાવી હતી'
એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું, એનાથી તેને વધુ પ્રેરણા મળી અને તેને લાગ્યું કે જો આપણે ફિટ હોઈશું તો જ દુનિયાના તમામ મોજશોખ પૂરા કરી શકીશું, તમામ મુશ્કેલીનો સામનો કરી શકીશું, જેથી તેને પૂરા ખંત અને મહેનતથી ડાયટ શરૂ કર્યો અને જેમ જેમ વજન ઊતરતું ગયું એમ એમ તેને પોતાના શરીરથી જ પ્રેમ થવા લાગ્યો. મારું એક સપનું હતું કે એક હાઉસવાઈફ તરીકે કોઈની પણ બોડી ન હોય એવી મારે બોડી બનાવવી છે, જેથી ડાયટ પ્લાનમાં મેં મારી તમામ મનપસંદ પાણીપૂરી રગડા-પેટીસ અને બહારનું જંકફૂડ પણ બંધ કરી દીધું અને માત્ર ઝીરો કાપ્સ( રોટલી, બ્રેડ, મેંદો, ચવાલ વગેરે ) બંધ કરી પ્રોટીનયુક્ત આહાર જ લેવાનું શરૂ કર્યું.

જિમમાં હાર્ડ વર્ક કરતી સલોની.
જિમમાં હાર્ડ વર્ક કરતી સલોની.

'બેસ્ટ રિઝલ્ટ માટે રોજ 4 કલાક વર્કઆઉટ કરતી'
મારે સિક્સ પેક બનાવવાની ઈચ્છા હોવાથી મેં મારા ટ્રેનરની સલાહ મુજબ માત્ર ફાઇબર અને પ્રોટીનયુક્ત આહાર સાથે રોજનું ત્રણથી ચાર કલાક વર્કઆઉટ શરૂ કર્યું. એક હાઉસવાઈફ તરીકે અને 103 કિલોમાંથી 50 કિલો વજન ઉતાર્યા બાદ મારું જે શરીર તૈયાર થયું છે એનાથી હું ખૂબ જ ગર્વ અનુભવું છું. આના માટે મને મારા પતિએ ખૂબ જ સાથ-સહકાર આપ્યો છે, જિમમાં પણ તેઓ સવારે મારી સાથે આવતા અને કોઈ તકલીફ પડે તો સાથે વજન પણ ઉપાડવામાં મદદ કરતા. પતિની પ્રેરણા થકી જ હું આટલું વજન ઉતારી શકી છું.

વજન ઉતારવામાં પતિએ ખૂબ જ સાથ-સહકાર આપ્યો.
વજન ઉતારવામાં પતિએ ખૂબ જ સાથ-સહકાર આપ્યો.

'હવે બધાને સલોની જેવી બોડી જોઈએ છે'
એક સમયે એવો પણ હતો કે લોકો મને કહેતા ગોલગપ્પા જેવી લાગે છે એટલે મને ખૂબ જ લાગી આવતું હતું, પરંતુ હવે એ જ લોકો મારી પાસે શરીર ઉતારવા માટેની ટિપ્સ માગી રહ્યાં છે. એ લોકોનું પણ હવે સપનું છે કે મારા જેવી બોડી બનાવવી છે, જિમમાં પણ ઘણા લોકો આવે છે, જેઓ કહે છે કે અમારે સલોની જેવી બોડી બનાવવી છે. મારું શરીર અતિશય વધારે હોવાને કારણે મારા ફોટા પણ ખરાબ આવતા હતા, મારું શરીર હેવી હોવાને કારણે મારા પતિ મારા જોડે ઊભા હોય તો મારા છોકરા જેવા લાગતા, એટલે લગભગ હું ફોટા પણ નહોતી પડાવતી.

સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે સન્માન કર્યું.
સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે સન્માન કર્યું.

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું, 'મને પણ ટિપ્સ આપોને! '
શરૂઆતમાં સમાજના લોકો મને ટોણા પણ મારતા કે આ છોકરી કેવી છે કે ઘર, છોકરાઓને રખડાવીને જાય, આ કેવી હતી ને કેવી થઈ ગઈ છે, તેમના હસબન્ડ કેટલા સારા લાગે છે અને તે કેટલી જાડી લાગે છે એમ છતાં મેં મારું કામ ચાલુ રાખ્યું અને આ સ્ટેજે પહોંચી છું. આ જોઈને ગુજરાત સરકારના સ્વાસ્થ્યમંત્રી ઋષિકેશ પટેલે મારું સન્માન કર્યું અને મને કહ્યું, મારે પણ તમારી પાસેથી ડાયટ પ્લાન લેવો પડશે. કેટલાય લોકો પોતાનું બે કિલો વજન પણ નથી ઘટાડી શકતા અને તમે આના માટે ખૂબ જ મહેનત કરી છે એ ખૂબ જ સારી વાત છે.

કસરતની સાથે સાથે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ.
કસરતની સાથે સાથે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ.

ડાયટથી જ 70% શરીર પર કંટ્રોલ કરી શકાય છે
મંત્રી નિમિશાબેન સુથારે પણ મને રૂબરૂ મળીને કહ્યું, તમારી સ્ટોરી ખૂબ જ સારી છે અને હું મારા ફેસબુક પર અપલોડ કરીશ. મારા માટે એ ખૂબ જ ગર્વની બાબત છે, મને ખૂબ જ ખુશી થઈ. મારું માનવું છે કે દરેક લોકોએ રોજ અડધો કલાક તો કસરત કરવી જ જોઈએ અને જે લોકો એવું માને છે કે શરીર નથી ઊતરતું તેમને પણ કસરતની સાથે સાથે ડાયટ પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ડાયટથી જ 70% શરીર પર કંટ્રોલ કરી શકાય છે અને જો તમારું શરીર સારું હશે તો જીવવાની પણ મજા આવશે.

અન્ય સમાચારો પણ છે...