ડીસાના લીલાશાહ નગર આગળ ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો લીલું ઘાસ નાખતા હોય છે. આ સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને પશુઓ લોકોને અડફેટે લેતા અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા આ વિસ્તારના રહીશોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઘાસ વેચનારાઓ અને નાખનારાઓ સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
ડીસાના લીલાશાહ નગર આગળ ખુલ્લા પ્લોટમાં કેટલાક શખ્સો લીલું ઘાસ વેચવા બેસે છે. જેમાં લોકો પણ દાન પુણ્ય કરવા આ લીલુ ઘાસ અહીં જ ખુલ્લામાં નાખતા હોવાથી રાત દિવસ રખડતા ઢોરોનો જમેંલો અહીં રહે છે. જેમાં ગાયો અને આખલા આખો દિવસ અહીં પડ્યા પાથર્યા રહેતા હોઇ તેમજ વારંવાર બાખડતા હોય લોકોના જીવ સામે મુશ્કેલરૂપ બની રહ્યાં છે.
અગાઉ પણ રખડતા આખલાઓએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. અહીં ઘાસ વેચવા ઊભા રહેતા લોકોને અગાઉ પણ તાકીદ કરી હતી, પરંતુ તેઓ દાદાગીરી કરી ખુલ્લા પ્લોટમાં જ ઘાસ નાખતા હોવાથી સોસાયટીના રહીશો તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે સોસાયટીના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો એકત્ર થઈ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી ઘાસ વેચનારાઓ તેમજ નાખનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
હિન્દુ ધર્મમાં અનેક લોકો સવારે ગાયોને ઘાસ નાખવાનો નિત્ય ક્રમ રાખે છે. પરંતુ તેઓ રોડ ઉપર ઘાસ વેચતા લોકો પાસેથી ઘાસ લઈ તે જ જગ્યા ઉપર નાખતા હોય છે. રખડતા ઢોરો અને આખલાઓ લોકો માટે ત્રાસરૂપ સાબિત થાય છે. જેથી દાન પુણ્યનો મહિમા જાળવવા ઇચ્છતા લોકો ગૌશાળામાં જઈ ઘાસ નાખે અથવા ગૌશાળાને દાન આપે તે હિતાવહ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.