કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ:ડીસામાં કલા મહાકુંભનું આયોજન; 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ 13 પ્રકારની કલાઓમાં ભાગ લીધો

ડીસાએક મહિનો પહેલા

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં કલા પ્રત્યે જાગૃતિ આવે તે માટે દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે પણ કલા મહાકુંભ 2022માં વિવિધ શાળાઓના 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ 13 પ્રકારની કલાઓમાં ભાગ લીધો.

ગ્રામીણ બાળકોના વિકાસ માટે કાર્યક્રમ
વિદ્યાર્થીઓ ભણતરની સાથે-સાથે વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણતા થાય તે માટે દર વર્ષે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો શહેરી વિસ્તારના બાળકોની જેમ દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધે તે માટે દર વર્ષે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન સરસ્વતી સ્કૂલ ખાતે થયું.

અલગ-અલગ શાળાના 500થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
જેમાં ડીસા તાલુકાની અલગ અલગ શાળાઓમાંથી 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ સંગીત, પ્રાચીન ગરબા, ચિત્ર સ્પર્ધા, પ્રાચીન ગીતો સહિત 13 પ્રકારની કલાઓમાં ભાગ લીધો. કલા મહાકુંભ અંતર્ગત 15 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં 6થી 14 વર્ષ, 15થી 20 વર્ષ તેમજ 21થી 59 વર્ષેના લોકો પણ કલા મહાકુંભમાં ભાગ લઈ પોતાનામાં રહેલી આવડતના આધારે પ્રદર્શન રજૂ કર્યું હતું. જે પ્રમાણે લોકો પ્રાચીન સંસ્કૃતિને ભૂલી રહ્યા છે તેને ઉજાગર કરવા માટે નાની બાલીકાઓએ પ્રાચીન ગરબા પણ રજૂ કર્યા.

અન્ય સમાચારો પણ છે...