ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠાના ડીસા ખાતે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિભાગના કર્મચારીઓ અને ખેડૂતોને કથા દ્વારા પ્રાકૃતિક અને ઝીરો ખર્ચની ખેતી અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવદ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી માટે અભિયણ ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સંપૂર્ણ જાણકારી મળી રહે તે માટે આજે ગુજરાતમાં સૌપ્રથમવાર બનાસકાંઠામાં એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા દ્વારા ડીસા ખાતે પ્રાકૃતિક ખેતી કથાનું આયોજન કરાયું હતું. જેનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને જે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમને પણ સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થાય અને તેઓ પણ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અંગે સમજાવી શકે. એક કલાકની પ્રાકૃતિક કૃષિ કથામાં પંડિતજી દ્વારા ગૌ મૂત્રનું મહત્વ, દેશી ગાય, છાણીયા ખાતરના મહત્વ સમજાવ્યું હતું. ખેતી વિભાગના કર્મચારીઓ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ કઈ રીતે વાળી શકે, સમજણ આપી શકે તે માટે તાલીમ પણ આપવામાં આવી હતી. સાથે જિલ્લામાં સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો આત્મવિશ્વાસ વધે અને પ્રોત્સાહિત થાય તે માટે સન્માનિત કરાયા હતા. જેમાં દાંતા તાલુકાના ધાણા ગામની એક મહિલા ખેડૂત ભગીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ પચાસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી ઓછા ખર્ચે સારી આવક મેળવે છે.
પ્રાકૃતિક કૃષિ કથામાં હાજરી આપવા આવેલા ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે સરકાર પણ સહાય આપી રહી છે અને બનાસકાંઠામાં અત્યારે નવ હજાર જેટલા ખેડૂતો પ્રકૃતિક ખેતી તરફ વળ્યાં છે અને હજુ પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે સરકાર અને ખુદ ખેડૂત પણ પોતાની જમીનને સુધારવા પ્રયાસ કરી રહ્યા છે.
આજની આ પ્રાકૃતિક કૃષિ કથામાં ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલી શાકભાજી, શેરડી, મધ, પપૈયા સહીતની ચીજવસ્તુઓનું પ્રદર્શન કરાયું હતું અને જે ખેડૂતો અને અધિકારીઓએ નિહાળીને ખેડૂતોની ધગશથી પ્રભાવિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.