ડીસાના ઝેરડા મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ:SPની આગેવાનીમાં પોલીસની અલગ અલગ ટીમો આરોપીને પકડવા કામે લાગી, 48 કલાક બાદ પણ પોલીસને કોઈ સુરાગ ન મળ્યો

ડીસા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડીસા તાલુકાના ઝેરડા ગામે જમીન વ્યવસાય સાથે સંકળાયેલા અને ખેડૂતની કરપીણ હત્યા બાદ મુખ્ય આરોપીઓને પકડવા જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે. 48 કલાક બાદ પણ પોલીસને હજુ કોઈ સુરાગ મળ્યો નથી. મૃતક જમીન વ્યવસાય સાથે સંકળાયેલા હોઇ અને તેમના દ્વારા તેમજ તેમની ઉપર કોર્ટમાં અનેક દાવા ચાલતા હોઇ પોલીસે અનેક પાસાઓને ધ્યાનમાં રાખી શકમંદોની પૂછપરછ કરી રહી છે.

ડીસા તાલુકાના ઝેરડા ગામે રહેતા અને જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા પરબતભાઈ ગળસોર રબારીની બુધવારે મોડી સાંજે તેઓના ઘરના રસ્તા પર કોઈ શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર રબારી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતની લાગણી ફેલાઈ છે. પરિવારજનો અને સમાજના આગેવાનોએ ગઈકાલે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી તેમની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસે ઝડપથી આરોપીઓને પકડી લઈશું તેવી ખાતરી આપતા મૃતકની લાશ સ્વીકારી હતી. પરંતુ ઘટનાને 48 કલાકનો સમય વિતવા છતાં પોલીસને હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી નથી.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની આગેવાની હેઠળ ડીસા ડીવાયએસપી, જિલ્લા એલસીબી, એસઓજી, ડીસા તાલુકા પોલીસ સહિત અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા દોડધામ કરી રહી છે. મૃતક પરબતભાઈની હત્યા જમીન લે-વેચ વ્યવસાયના મામલે કે કોઈ અન્ય કારણોસર કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે અત્યાર સુધી તેમના પરિવારજનોએ આપેલા શકમંદોના નામ ઉપરાંત મૃતકના જુના નવા ભાગીદારો, ખેતર આજુબાજુમાં રહેતા લોકો સહિત અનેક લોકોની પૂછપરછ હાથ ધરી છે. મૃતક પરબતભાઈ જમીન વ્યવસાય સાથે સંકળાયેલા હોઇ તેઓ દ્વારા તેમજ તેઓની સામે વિવિધ કોર્ટોમાં અનેક પ્રકારના દાવાઓ ચાલુ છે. જેથી પોલીસે આ દાવાઓ સંબંધિત લોકોની પણ શકમંદ તરીકે પૂછપરછ હાથ ધરી તેઓના નિવેદનો લઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...