સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ:ડીસાના 500થી વધુ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો કાદવ કીચડમાં ચાલવા મજબૂર, નાયબ કલેક્ટરને નિવારણ માટે રજૂઆત કરી

ડીસા18 દિવસ પહેલા

ડીસા તાલુકાના થેરવાડા ગામે સામાન્ય વરસાદમાં પણ ગામના મુખ્ય રસ્તા પર કાદવ કિચડ ભરાઈ જતા 500થી પણ વધુ વિદ્યાર્થીઓને ગ્રામજનો ખરાબ રસ્તા પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ નાયબ કલેકટર કચેરીએ આયોજનપત્ર આપી તેમને રસ્તાની સમસ્યામાંથી કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરે છે.

ગ્રામજનો ખરાબ રસ્તા પરથી ચાલવા મજબૂર બન્યા
ડીસાના થેરવાડા ગામે ગ્રામજનો દૂધ મંડળીથી ઝેરડા તરફ જતા કાચા રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. દર વર્ષે ચોમાસામાં આ માર્ગ પર પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ પર એક એક ફૂટ સુધી પાણી ભરાઈ રહેતા અને કાદવ કીચડ થઈ જતા વહેલી સવારે અને સાંજે પસાર થતા પશુપાલકો સહિત ગ્રામજનો ખરાબ રસ્તા પરથી ચાલવા મજબૂર બન્યા છે.

રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત
આજ માર્ગ પર આવેલી નાલંદા હાઈસ્કૂલમાં 500થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેઓને પણ આ જ માર્ગ પરથી પસાર થવું પડતું હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વળી ઝેરડા તરફ જવાનો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ગામના દરેક વાહન ચાલકો અને લોકોએ આજ રસ્તા પરથી પસાર થવું પડે છે. આ મામલે ગ્રામજનોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ ઉકેલ ના આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ડીસા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તેમની આ રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...