વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે રાજકીય પક્ષો દ્વારા મતદારોને વિવિધ પ્રકારના વચનોની લ્હાણી કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડીસાના ઉમેદવારે ત્રીજું ગેરંટી કાર્ડ રજુ કરી સૌથી અલગ અને મહત્વની જાહેરાત કરી છે. તેમણે ચૂંટાયા બાદ ડીસામાં અલગ અલગ સમાજના વિવિધ શૈક્ષણિક સંકુલો ઉભા કરી તેમાં મફત શિક્ષણની વ્યવસ્થા કરવા તેમજ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ અને પગારના નાણાં શિક્ષણ પાછળ વાપરવાની જાહેરાત કરી છે.
ધારાસભ્ય તરીકે મળતો પગાર શિક્ષણ પાછળ વાપરવાની જાહેરાત
બનાસકાંઠાના ડીસાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.રમેશ પટેલ પોતે ઓર્થોપેડિક તબીબ છે. તેમણે કોઈપણ સમાજ રાજ્ય કે દેશના વિકાસ માટે સૌથી મહત્વનું અંગ શિક્ષણને ગણાયું હતું. અત્યાર સુધી દરેક રાજકીય પાર્ટીઓએ જાતિવાદ અને ધર્મના નામે મત મેળવી સમાજમાં વૈમનસ્ય ઉભું કર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી શિક્ષણ આરોગ્ય અને ભ્રષ્ટાચાર મુક્તિની વાત લઈને પ્રજા સમક્ષ પહોંચી છે. તેઓએ આમ આદમી પાર્ટી પ્રજાને જે વચ્ચેનો આપ્યા છે તે પૂર્ણ કરશે પરંતુ ડીસાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પોતે ધારાસભ્ય તરીકે મળતો પગાર અને તમામ ગ્રાન્ટ શિક્ષણ પાછળ વાપરશે તેવી જાહેરાત કરી હતી.
શિક્ષણ થકી દેશની પ્રગતિમાં ભાગીદાર બનાવવાનો નિર્ધાર
આ ઉપરાંત તેમણે ડીસામાં ઠાકોર સમાજ, દલિત સમાજ, રાજપૂત સમાજ માટે અલગ-અલગ શૈક્ષણિક અને સામાજિક સંકુલો ઉભા કરી તેમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને રહેવાની મફત સુવિધા તેમજ કોઈપણ પ્રકારના સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન, સમૂહલગ્ન, સ્નેહ મિલન, ઈનામ વિતરણ જેવા પ્રસંગો પણ કરી શકાશે તેવા ભવ્ય સુવિધા વાળા શૈક્ષણિક સંકુલો બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે અન્ય નાના સમાજ માટે પણ સર્વ સમાજનું શૈક્ષણિક અને સામાજિક સંકુલ બનાવવાની પણ જાહેરાત કરી હતી. સમગ્ર રાજ્યમાં આ પ્રકારની જાહેરાત કરી ડીસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાનું અલગ વ્યક્તિત્વ દર્શાવી સમાજને શિક્ષણ થકી આગળ લઈ જઈ દેશની પ્રગતિમાં ભાગીદાર બનાવવાનો નિર્ધાર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.