ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડીસાના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ડીસાના શેરપુરા સહિત આસપાસના 10 જેટલા ગામડાના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડે છે. ડીસા તાલુકાના જેનાલ, વરણ, શેરપુરા, લક્ષ્મીપુરા, કંસારી સહિત આજુબાજુ નીચાણવાળા ગામના ખેતરોમાં પાણી નદીની જેમ વહેવા લાગતા જળ બંબાકાર જેવી સ્થિતી સર્જાતા ખેડૂતોએ વાવેલ મહામૂલો મગફળીનો પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.
વર્ષ 2015 અને 2017 માં પણ ભારે વરસાદના પગલે આ વિસ્તાર નદીનો બેટ બની ગયો હતો. તે વખતે પણ અહીંના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું. ત્યારબાદ આ વખતે ફરીથી ભારે વરસાદને લીધે અહીં નદીના પ્રવાહની જેમ પાણી વહેવા લાગ્યું છે. જેથી ખેડૂતોના ખેતરમાં બે થી ત્રણ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે.
ડીસાના કંસારી, વરનોડા, લક્ષ્મીપુરા, યાવરપુરા, શેરપુરા, વરણ સહિતના ગામોના રસ્તા પર પણ પાણી વહેતા પશુપાલકોને દૂધ ભરાવવા માટે તેમજ લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે તો શાળાએ જતા બાળકો પણ દસ થી પંદર દિવસ પાણીનો નિકાલ થાય તે જણાતું નથી. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘પાણીના તળ ઉંચા જતા વરસાદની જરૂર છે પરંતુ વરસાદી વહેણના કારણે પાણીનો પ્રવાહ નુકશાન પહોંચાડે છે. સરકાર દ્વારા યોગ્ય રીતે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તો જ ખેડૂતોને દર વર્ષે નુકસાનમાંથી બચાવી શકાય તેમ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.