ડીસામાં તસ્કરોની હેટ્રિક:આખોલ પાસે વધુ ત્રણ દુકાનોના તાળા તૂટ્યાં; એક અઠવાડિયામાં સતત ત્રીજીવાર ચોરી થતા ફફડાટ

ડીસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડીસામાં આજે આખોલ ચાર રસ્તા પાસે વધુ ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. એક અઠવાડિયામાં સતત ત્રીજીવાર ચોરી કરી અજાણ્યા તસ્કરોએ હેટ્રિક લગાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી વ્યાપારીઓને તેમનો સામાન પાછો અપાવે તેવી માગ કરી છે.

અંદાજીત પોણા ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી
ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી તસ્કરો તરખાટ મચાવી રહ્યાં છે. જેમાં આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી વધુ ત્રણ દુકાનોને નિશાન બનાવી હતી. અજાણ્યા તસ્કરો એ મોડી રાત્રે આખોલ ચાર રસ્તા પાસે આવેલી હનુમાન ઇલેક્ટ્રીક, શ્રી ચામુંડા ઈલેક્ટ્રીક અને હનુમાન સબમર્સીબલ નામની ત્રણ દુકાનના શટર તોડી તેમાંથી તાંબાના વાયર, ભંગાર અને રોકડ સહિતના માલ સામાનની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે દુકાનોના શટર તૂટેલા જણાતા વેપારીઓએ પોલીસને જાણ કરી હતી. જેથી ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરતા ત્રણ દુકાનમાંથી રોકડ સહિત અંદાજીત પોણા ત્રણ લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

ચોરોને ઝડપી માલસામાન પાછો અપાવે તેવી લોકમાગ
ચોરી કરવા આવેલા અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ દેખાયા હતાં. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધ ખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ડીસામાં એક જ અઠવાડિયામાં સતત ત્રીજી વાર ચોરી થતા હવે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. પોલીસ તાત્કાલિક ચોરોને ઝડપી મધ્યમ વર્ગના વેપારીઓનો માલસામાન પાછો અપાવે તેવી માગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...