36 કિલો વજન વધારી સ્ટેટ ચેમ્પિયન બન્યો:ડીસાના કલ્પેશ માળીએ બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો; સતત 4 વર્ષ સુધી રોજ 5 કલાક કસરત કરી મસલ્સ બનાવ્યા

ડીસાએક મહિનો પહેલા

બનાસકાંઠાના ડીસામાં સલોની ઠક્કર નામની યુવતીએ 53 કિલો વજન ઘટાડ્યા બાદ હવે એક યુવકે 37 કિલો વજન વધારી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. કલ્પેશ માળી નામના યુવકે સતત 4 વર્ષ સુધી રોજ 5 કલાક કસરત કરી મસલ્સ બનાવી બોડી બિલ્ડીંગમાં ભાગ લીધો હતો અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં ડીસામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો
ડીસામાં પાટણ હાઇવે ઉપર આવેલા શ્યામ બંગલોઝ ખાતે રહેતા કલ્પેશ માળીને કસરતનો ખૂબ જ શોખ છે. જેથી તેણે જીમ જોઈન કરી પોતાના શરીરને સુડોળ બનાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ચાર વર્ષ અગાઉ કલ્પેશ માળીનું વજન માત્ર 57 કિલો હતું. પરંતુ સતત ચાર વર્ષ સુધી સખત પરિશ્રમ કરી તેને પોતાનું વજન 94 કિલો સુધી પહોંચાડ્યું હતું. ચાર વર્ષમાં રોજ પાંચ કલાક સુધી કસરત કરી તેણે 36 કિલો વજન વધાર્યું છે. તેનું એક સપનું હતું કે બોડી બિલ્ડિંગમાં તે શહેર અને સમાજનું નામ રોશન કરે. જેથી તે દરરોજ નિયમિત કસરતની સાથે સાથે પ્રોટીનયુક્ત ખોરાક પણ લેતો હતો અને બહારનું જંક ફૂડ સદંતર બંધ કરી દીધું હતું.

મિત્રો અને માળી સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
તેનું એક સપનું હતું કે ગુજરાત રાજ્યની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લે, જેથી તે સતત વર્ક આઉટ કરતો હતો. તાજેતરમાં આણંદ ખાતે સમગ્ર ગુજરાત લેવલની બોડી બિલ્ડીંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 80થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. જેમાં ડીસાના કમલેશ માળીએ પણ ભાગ લીધો હતો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપી તેને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ગોલ્ડ મેડલ આપી તેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ યુવાન ડીસા આવતાં તેના મિત્રો અને માળી સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે કલ્પેશ માળીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી હું ગોલ્ડ મેડલની રાહ જોતો હતો અને છેલ્લા દસ મહિનાથી સતત વર્કઆઉટ કરીને ગુજરાત લેવલની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં મે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં દેશ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લઈ હજુ પણ વધુ મેડલો પ્રાપ્ત કરવાનું મારું સપનું છે.

અન્ય સમાચારો પણ છે...