તંત્રની આળસથી લોકો પરેશાન:જુનાડીસા ગામે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, ત્રણ દિવસથી પીવાનું પાણી ન મળતાં લોકોમાં રોષ ભભૂક્યો

ડીસા11 દિવસ પહેલા
  • તલાટી કમ મંત્રીએ પણ ફોન ન ઉપાડતાં લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો
  • પાઇપલાઇન રીપેર કરવામાં આવે, ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી તેવી માગ

ડીસા તાલુકાના જુનાડીસા ગામે નવાવાસ વિસ્તારમાં ભર ચોમાસે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. પીવાના પાણીની પાઈલલાઈનમાં ભંગાણ સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. જો કે તલાટી કમ મંત્રીએ પણ ફોન ન ઉપાડતાં લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે.

તલાટીએ પણ ફોન ન ઉપાડ્યો, લોકોમાં રોષ
ડીસા તાલુકાના જુનાડીસા ગામે નવાવાસમાં પીવાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયુ છે, જેના કારણે નવાવાસ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચી શકતું નથી. લોકો ત્રણ દિવસથી પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જે મામલે સ્થાનિક લોકોએ તલાટી કમ મંત્રીનો મોબાઈલ પર સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ ત્રણ દિવસથી તલાટી પણ ફોન ઉપાડતા ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

વ્રતધારી મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે - સ્થાનિક
આ મામલે બોર ઓપરેટર રૂપસિંગભાઈએ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જે અંગે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી પાઇપ રીપેર થઈ નથી જેથી લોકો તેમને હેરાન કરી રહ્યા છે. જ્યારે રમીલાબેન રાવળ સહિતના સ્થાનિકોએ જણાવ્યું હતુ કે એક તરફ અત્યારે શ્રાવણ મહિનામાં મહિલા અને યુવતીઓને વ્રત ચાલી રહ્યા છે અને વહેલી સવારે ન્હાઇને મંદિરે જવાનું હોય છે. પરંતુ પાણી નહીં આપતા વ્રતધારી મહિલાઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તાત્કાલિક તૂટેલી પાઇપલાઇન રીપેરીંગ કરવામાં આવે અને રીપેર ન થાય ત્યાં સુધી લોકો માટે વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી તેવી માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...