બનાસકાંઠામાં ડીસા પાસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની સોની પરિવાર સાથે છેતરપીંડી આચરનાર ટોળકીને જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી છે. સોની પરિવારને ત્યાં કામ કરતો અને દીકરાની જેમ રાખતા કારીગરે જ સેઠને લૂંટવાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ટોળકીના ચાર સાગરીતોની અટકાયત કરી 2.62 લાખ રૂપિયાનો કબજો કર્યો છે અને ફરાર બે આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.
છેતરપીંડી આચરી ટોળકી ફરાર થઇ ગઇ હતી
ડીસા તાલુકાના જુનાડીસા ગામે રહેતા મહેન્દ્ર સોની શ્રી રામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેમની દીકરીના લગ્ન હોઇ તેઓ સગા સંબંધીઓ પાસેથી પ્રસંગ માટે પૈસા લાવ્યા હતા અને ઘરમાં ખરીદીનો માહોલ ચાલી રહ્યો હતો. તેમજ મહેન્દ્ર સોની પોતાના પરિવાર સાથે ઘરે હતો તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અજાણ્યા પાંચ શખસો તેમના ઘરે આવ્યા હતા અને ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. આઇડેન્ટિ કાર્ડ બતાવી સોની પરિવારને ડરાવી તેમની પાસેથી ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ રૂપિયાના માલમત્તાની છેતરપીંડી આચરી ટોળકી ફરાર થઇ ગઇ હતી. જે બનાવો અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ જિલ્લા એલસીબીની ટીમે નકલી અધિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા
ફરિયાદી પાસેથી તમામ વિગતો મેળવતા પોલીસને તેમની પડોશમાં રહેતો નરેશ ઉર્ફે નરસિંહ ઠાકોર અગાઉ તેમની દુકાનમાં કારીગર તરીકે કામ કરતો હતો. જેથી મહેન્દ્ર સોનીના સ્વભાવથી લઈ તેમના ઘરની તમામ ગતિવિધિથી તે વાકેફ હતો. તેના પર શંકા જતા પોલીસે તેની ગતિવિધિ પર નજર રાખી તેને બોલાવી કડક પૂછપરછ કરતા આખરે તેને સમગ્ર ગુનાની કબુલાત કરી લીધી હતી. તેને તેના મિત્રો સાથે મળી તેના પૂર્વ શેઠને લૂંટવાનો કારસો રચ્યો હતો. જેથી એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ આ ટોળકીને ઝડપી પાડી જેલના હવાલે કરી દીધી છે. જેમાં જુનાડીસા ગામના નરેશ ઉર્ફે નરસિંહ ઠાકોર, શ્રવણ ઠાકોર, ધારશી ઠાકોર અને રાહુલ ઠાકોરની અટકાયત કરી છે. જ્યારે અન્ય બે ફરાર આરોપી પીન્ટુજી ઠાકોર અને લાલભા વાઘેલા ફરાર હોય તેમની શોધખોળ ચાલુ છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 2.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ આરોપીઓ અન્ય કોઈ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ, તે અંગે પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.