ભાઈના પ્રચાર માટે ભાઈ જ મેદાનમાં:જગદીશ ઠાકોરે પ્રહાર કરતા કહ્યું- કોંગ્રેસ કાંઈ નથી તો વડાપ્રધાન શું કામ પ્રચાર માટે આંટાફેરા મારે છે

ડીસા15 દિવસ પહેલા

બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ વિધાનસભાની બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર અમરતજી ઠાકોર માટે તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આસેડા ગામે જાહેર સભા યોજી હતી. જેમાં તેમણે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના પદની ગરિમાં જાળવી રાખવા જણાવ્યું હતું. જાહેર સભામાં ઉમેદવાર સ્ટેજ ઉપર બેસવાની જગ્યાએ પબ્લિકની વચ્ચે નીચે બેસી જતા ભારે કુતુહલ સર્જાયું હતું.

27 વર્ષ સુધી તમે ગુજરાતમાં કામ કર્યું, તો પ્રચાર કરવાની શું જરૂર: જગદીશ ઠાકોર
કાંકરેજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના પ્રચાર માટે ડીસા તાલુકાના આસેડા ગામે વિશાલ જાહેર સભા યોજાઈ હતી. કાંકરેજ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃતજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે આજે ભાઈના પ્રચાર માટે ભાઈ મેદાને ઉતર્યા હતા. જનમેદની સંબોધતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની ગરિમાં જાળવતા નથી. તેઓ કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ કાંઈ નથી તો પછી વડાપ્રધાનથી લઈ ભાજપ શાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ કેન્દ્રની આખી ફોજને ગુજરાતમાં કેમ પ્રચાર અર્થે ઉતરવું પડે છે. 27 વર્ષ સુધી તમે ગુજરાતમાં કામ કર્યું છે. તો પ્રચાર કરવાની તમારી શી જરૂર પડે. આ વખતે તેઓનો કોઈ મેળ પડવાનો નથી.

પ્રજાની સાથે બેસવા વાળો માણસ છુંઠો: અમરતજી ઠાકોર
જ્યારે કાંકરેજના ઉમેદવાર અમરતજી ઠાકોરે વિસ્તારની પ્રજાનો સૌથી મોટો પ્રશ્ન રોડ રસ્તાનો અને ત્યારબાદ પાણીનો ગણાવ્યો હતો. તેમને કોંગ્રેસની સરકાર બનતા તમામ સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ પર બે ટોલટેક્સ આવે છે. જેના કારણે કાંકરેજની જનતા ટોલ ટેક્સના બોજથી પીડાઈ રહી છે. તેને પણ મુક્ત કરવાનું તેમણે વચન આપ્યું હતું. જાહેર સભા દરમિયાન ઉમેદવાર અમરતજી ઠાકોરે સ્ટેજ પર બેસવાની જગ્યાએ તેમના મોટાભાઈ જગદીશ ઠાકોરની હાજરીમાં જ સ્ટેજ નીચે લોકો પાસે બેસી ગયા હતા. જેથી લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું. જે અંગે પૂછતા અમૃતજીએ જણાવ્યું હતું કે, હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સાથે બેસવા વાળો માણસ છું જેથી હું નીચે બેઠો હતો.

અન્ય સમાચારો પણ છે...