ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળમાં છેલ્લા કેટલાક દિવસથી મોટો ઘટાડો નોંધાયો છે. ઉનાળાની સિઝનના પ્રારંભે ભૂગર્ભજળ તૂટતા ખેડૂતોને બોરવેલમાં નવી કોલમ (પાઇપ) ઉતારવાની નોબત આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીયાળ વિસ્તાર તરીકે ગણાતા ડીસા વિસ્તારમાં પણ ભૂગર્ભજળ તુટતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક સમયે બનાસ નદીના કારણે ડીસા તાલુકાના ગામડાઓમાં પાણીનું સ્તર ખૂબ જ ઊંચું હતું. માત્ર 150 ફૂટે પાણીનો સ્ત્રોત મળી રહેતો હતો પરંતુ ત્યારબાદ 400 થી 500 ફૂટે ભુગર્ભ જળ ગયું તેના પછી પણ ભૂગર્ભ જળનું સ્તર નીચું જતાં 700 થી 750 ફુટે ભુગર્ભ જળ પહોંચી ગયું હતું. ત્યારબાદ સતત ઘટી રહેલા વરસાદ અને બનાસ નદી પર બાંધવામાં આવેલો દાંતીવાડા અને સીપુ ડેમો પણ ન ભરાતા આ વિસ્તારમાં સતત ભુગર્ભ જળનો ઘટાડો થયો છે.
પંદર દિવસમાં ડીસા પંથકમાં 10 થી 15 ફૂટ જેટલું પાણી તૂટતા ખેડૂતોને 20 ફુટની નવી કોલમ નાખવાની જરૂરિયાત ઊભી થઇ છે. જેના કારણે ઠેરઠેર ડીસા પંથકમાં ગામડાઓના બોરવેલ ઉપર મશીનો લાગેલા પણ જોવા મળી રહ્યા છે.
ગામડાઓના તળાવ ભરવા લોકોની માંગ
આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ‘આવનાર પાંચ વર્ષમાં જળ સમસ્યાનો ગંભીર ખતરાને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા જિલ્લાની જીવાદોરી સમાન બંને ડેમમાં કેનાલનું પાણી નાખવું જોઈએ અને દરેક ગામોના તળાવો ભરવા જોઇએ જેથી કરી આવનાર સમય ભૂગર્ભ જળનું લેવલ જળવાઈ રહે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.