લોનના હપ્તાના નામે છેતરપિંડી:ડીસામાં લોનના હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઈક લઈ બે શખ્સ રફુચક્કર

ડીસા22 દિવસ પહેલા
  • શખ્સોએ પાલનપુરમાં આવેલી ફાઇનાન્સની ઓફિસમાં હપ્તા ભરી બાઈક છોડાવી જવા કહ્યું
  • યુવકે તપાસ કરતાં પાલનપુરમાં આવી કોઈ જ ઓફિસ ન હોવાનું જાણવા મળ્યું

ડીસામાં અજાણ્યા બે શખ્સો એચ ડી બી ફાઇનાન્સની લોનના હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહી યુવક પાસેથી બાઈક લઈ રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. છેતરપીંડીનો ભોગ બનેલા યુવકે બે શખ્સો સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

એચ ડી બી ફાઇનાન્સનું નામ આપીને શખ્સો બાઈક લઈને ફરાર
ડીસાની પિંક સોસાયટીમાં રહેતા ચેતન સંજયભાઈ બારોટ નામનો યુવક જલારામ મંદિર પાસે ફોનવાલેની દુકાનમાં નોકરી કરતો હતો. તે દરમિયાન તેણે 30 હજારની કિંમતનો મોબાઇલ એચ ડી બી ફાઇનાન્સમાં લોન કરીને લીધો હતો. બાદમાં ફોનવાલે દુકાનમાંથી નોકરી છોડી દીધી હતી. તે સમયે તેના મોબાઈલના ત્રણ હપ્તા પણ ડ્યુ થયા હતા. જ્યારે ગઈકાલે આ યુવક પિંક સીટીથી બજાર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા બે શખ્સોએ તેને ઉભો રખાવી એચડીબી ફાઇનાન્સ લોનના બાકી હપ્તા માટેની ઉઘરાણી કરી હતી અને પાલનપુરમાં આવેલી એચ ડી બી ફાઇનાન્સની ઓફિસમાં હપ્તા ભરીને બાઈક છોડાવી જવાનું કહ્યું હતું અને તેનું બાઈક લઈને રફુચક્કર થઈ ગયા હતા.

પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી
​​​​​​​ચેતને ડીસામાં આવેલી એચડીબી ફાઇનાન્સની ઓફિસમાં જઇને તપાસ કરતાં પાલનપુરમાં આવી કોઈ જ ઓફિસ ન હોવાનું જાણવા મળતાં તેની સાથે છેતરપીંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ચેતન બારોટે ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...