વિધાનસભા ચૂંટણી-2022:ડીસામાં કોંગ્રેસ ઉમેદવારે જીતના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું; જાહેર સભામાં કોંગ્રેસ આગેવાનોએ ભાજપ પર પ્રહારો કર્યા

ડીસા3 મહિનો પહેલા

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે આજે બનાસકાંઠામાં ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે વડીલો તેમજ મંદિરોમાં દર્શન કરી વિજયના આશીર્વાદ લીધા હતા. વંદના પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા યોજ્યા બાદ જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

મંદિરોમાં શીશ ઝુકાવી વિજયના આશીર્વાદ મેળવ્યા
ડીસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્ર સંજય દેસાઈને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. સંજય દેસાઈ આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છે. ત્યારે વહેલી સવારે તૈયાર થઈ માતા-પિતા તેમજ વડીલોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ડીસાના વિવિધ મંદિરોમાં પણ શીશ ઝુકાવી વિજયના આશીર્વાદ મેળવ્યા હતા.

27 વર્ષથી ભાજપ શાસનમાં, છતાં વિકાસના કોઈ કામો નથી: સંજય દેસાઈ
વંદના પાર્ટી પ્લોટ ખાતે જાહેર સભા યોજાઇ હતી. ઉમેદવાર સંજય દેસાઈએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભાજપ શાસનમાં હોવા છતાં પણ વિકાસના કોઈ કામો થતા જ નથી. જેથી લોકોને આ વખતે કોંગ્રેસ પર ખૂબ જ પ્રેમ અને લાગણી છે, લોકો ખૂબ જ આશીર્વાદ આપી રહ્યાં છે, અને મારા પિતાની જેમ મને પણ જંગી બહુમતીથી જીતાડી વિધાનસભામાં મોકલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં
જ્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ સરકાર સામે આક્ષેપો કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ઘાડીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પી.પી. ભરતીય, અશ્વિનભાઈ પરમાર, નરસિંહ દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...