બનાસકાંઠાના ડીસામાં ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો હોવા છતાં ભાજપે ઠાકોર સમાજને ટિકિટ ન આપી. આ કારણોસર ઠાકોર સમાજના બે આગેવાનોએ અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરી ભાજપ સામે ખુલ્લો બળવો નોંધાવ્યો છે.
ઠાકોર સમાજનું સંમેલન યોજાયું
ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ટિકિટ માટે અનેક જગ્યાએ બળવા થયા છે. ત્યારે ડીસામાં પણ પાર્ટીએ સૌથી વધુ મતદાર ધરાવતાં ઠાકોર સમાજને ટિકિટ ના આપતાં ઠાકોર સમાજમાં ખૂબ જ નારાજગી જોવા મળી રહી છે. ભાજપે ડીસામાં પ્રવીણ માળીને ટિકિટ આપતા આજે રાહી કોલ્ડ સ્ટોરેજ ખાતે ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં ડીસા તાલુકા ભાજપ પ્રમુખ લેબજી ઠાકોર અને જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ તેમજ ડીસા તાલુકા પંચાયત સદસ્ય ભરતજી ધૂંખ બંનેને સમાજે ચૂંટણી લડવા તૈયાર કરી વાજતે વાગતે નાયબ કલેક્ટર કચેરી જઈ બંનેને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યા હતાં.
સમાજના યુવાનોને હારવા માટે ગેરમાર્ગે દોર્યા
આ અંગે ડીસા તાલુકા ભાજપ પ્રમુખ અને ડીસામાં અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા લેબજી ઠાકોરે જણાવ્યું હતું કે, ડીસા તાલુકામાં સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો હોવા છતાં અને ઠાકોર સમાજે માંગણી કરવા છતાં ભાજપે અમારા સમાજની અવગણના કરી છે. આ સાથે ઉમેર્યું હતું કે, અન્ય જગ્યાએ ટિકિટો આપી સમાજના યુવાનોને હારવા માટે ગેરમાર્ગે દોર્યા છે.
ઠાકોર સમાજની સતત અવગણના કરી
જિલ્લા ભાજપ બક્ષી મોરચાના પૂર્વ અધ્યક્ષ ભરતજી ધૂંખે જણાવ્યું હતું કે, ભાજપ છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજની સતત અવગણના કરતા આવ્યા છે. ડીસામાં ઠાકોર સમાજને સર્વ સમાજનો ટેકો હોવા છતાં ભાજપે અન્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે. જેથી ઠાકોર સમાજે અમને બંનેને હાલ ફોર્મ ભરવા આહવાન કર્યું છે. જ્યારે સમજૂતી બાદ બંનેમાંથી એક આગેવાન ચૂંટણી લડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.