ફરિયાદ:ડીસાના સાંડિયામાં પંચાયતની જમીનમાં મંજૂરી વગર ગેરકાયદે માટીની ચોરી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટર દ્વારા બિનઅધિકૃત ખોદકામ કરાતાં કલેક્ટર, ભૂસ્તર વિભાગને ફરિયાદ

ડીસા તાલુકાના સાંડિયા ગ્રામ પંચાયતની સરકારી જમીનમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા બિન અધિકૃત રીતે કોઈની પણ પરવાનગી વગર ખોદકામ કરી 150થી પણ વધુ ડમ્પરો ભરીને માટી લઈ જઈ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી હોવાની ફરિયાદ ગ્રા.પં.ના ઉપસરપંચ સહિત સભ્યોએ કરી છે. સાંડિયા ગામમાં ગ્રામ પંચાયતના હેડે ચાલતી સરકારી જમીન જે જમીન સવાલાવાળી જમીન તરીકે ઓળખાય છે. તેમાંથી માટીકામના કોન્ટ્રાક્ટર સુરેશભાઈ દેસાઈ-પાલડીવાળાએ ગેરકાયદેસર રીતે હિટાચી મશીન મૂકી મોટા પાયે માટીનું ખોદકામ કર્યું હતું.

સુરેશ દેસાઈ આ બાબતે ગ્રામ પંચાયતની, ભૂસ્તર વિભાગની કે મામલતદારની કોઈની પણ પરવાનગી વગર મશીન મૂકી 150થી વધુ ડમ્પરો માટી લઈ જઈ લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી છે. ખોદકામ ચાલતું હતું ત્યારે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત સભ્યો દ્વારા સરપંચને મૌખિક રજૂઆત કરી હતી પરંતુ સરપંચે આ બાબતે ધ્યાન આપ્યું ન હતું તેમજ કોન્ટ્રાક્ટર માથાભારે અને રાજકીય લાગવગ ધરાવતો હોય તેણે ‘સરકારમાં જયાં રજૂઆત કરવી ત્યાં કરો'' તેમ કહીં ધમકાવીને કાઢી મુક્યા હતા.

જેથી આ બાબતે ગ્રામ પંચાયતના ઉપસરપંચ જોઈતાભાઈ મલુપુરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચનભાઈ પરમાર તેમજ સભ્ય સીતાબેન દેવાભાઈ ઘટાડ દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગેરકાયદેસર રીતે ખોદકામ કરી લાખો રૂપિયાની ચોરી કરવા બદલ જિલ્લા કલેકટર, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી તેમજ ડીસા મામલતદારને લેખિત રજૂઆત કરી તપાસ કરવા જણાવ્યું હતું. આ બાબતે ડીસા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ડી.પી.ઝાલાએ જણાવ્યું હતું કે ‘અમોને રજૂઆત મળતા સ્થળ પર માપણી કરી પંચનામું કરેલ છે. જેમાં મોટાપાયે ખોદકામ જણાઇ આવેલ હોઇ આ બાબતનો વિસ્તૃત રિપોર્ટ કરી ભૂસ્તર વિભાગને રજુ કરીશું.' }બાબુ દેસાઈ

અન્ય સમાચારો પણ છે...