બનાસકાંઠાના ડીસામાં મોડી સાંજે બરફના કરાનો વરસાદ થયા બાદ પણ લોકોએ હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી અને કુદરતી આફત વચ્ચે પણ શહેરીજનોએ હોળી પ્રજ્વલિત કરી ભારતીય પરંપરા યથાવત જાળવી રાખી હતી.
ડીસા સહિત સમગ્ર દેશમાં આજે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે બરફના કરાનો ધોધમાર વરસાદ થયો હતો. વરસાદના કારણે સર્વત્ર જગ્યા પાણીથી તરબોળ થઈ ગઈ હતી. તેમ છતાં પણ ડીસાના લોકોએ હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. જેમાં લાલચાલી વિસ્તાર, તીન હનુમાન મંદિર, ગાંધી ચોક, રિસાલા બજાર સહિત તમામ જાહેર સ્થળોએ વરસાદ બાદ તુરંત હોળીની વિધિ શરૂ કરી હતી અને પૂજન કરી પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી.
લોકોએ ખજૂર, કોપરા, ધાણી, ચણા સહિતની સામગ્રી હોળી માતાને અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે આવનાર વર્ષ મનુષ્ય સહિત પશુ-પંખીઓ નિરોગી રહે અને કુદરતી આપત્તિ ન આવે તે માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ હોળીની પ્રદક્ષિણા કરી સુખ, શાંતિ, તંદુરસ્તી અને નિરોગી રહેવા સહિત પરિવારજનો ઉપર કૃપા રહે તેવી પ્રાર્થના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.