મન્ડે પોઝિટિવ:હિંદુ યુવા સંગઠને 4 જરૂરિયાતમંદ પરિવારોને મકાન બનાવી આપ્યાં

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન મળતાં વિધવા, અપંગ અને ગરીબ મહિલાઓના ચહેરા ઉપર સ્મિત રેલાવ્યું

ડીસાના હિંદુ યુવા સંગઠન દ્વારા ચાર જરૂરિયાત મંદ પરિવારોને મકાન બનાવી આપી સામાજિક દાયિત્વ નિભાવવામાં આવ્યું હતું. પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું કે, સંગઠન દ્વારા અનેકવિધ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં ડીસામાં રહેતા ગરીબ, અપંગ, વિધવા બહેનો ઘર વિહોણી હોઇ શિયાળા, ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ખૂબ જ મુશ્કેલીમાં મુકાતી હતી.

જેમને સંગઠનના દિપકભાઈ કચ્છવા, અમિતભાઈ ત્રિવેદી, પ્રકાશસિંહ સોલંકી જયદીપભાઈ ચોખાવાલા, આકાશ કે. સોની આકાશ એમ. સોની,ઘનશ્યામભાઈ સોની સહિતની મદદથી ઝુંપડા તેમજ કાચા મકાનો તોડી તે જગ્યાએ સુવિધા યુક્ત પાકા મકાનો બનાવી આપ્યા છે. આ પરિવારોના ચહેરા ઉપર સ્મિત રેલાયું છે જેનો અમને અનહદ આનંદ છે.

કિસ્સો 1 : મકાન બનાવી આપી ભીખ ન માંગવાનું વચન લીધુ
ડીસા નવાપુરામાં રહેતા હંસાબેન દેવીપૂજકના પતિ ચેતનભાઇની આંખોમાં મોતીજરા તેમજ અસ્થમાની બિમારી હોવાથી છુટક મજુરી કરવા સાથે 5 દીકરીઓની દેખભાળ કરતા હતા. ફાટેલી ઝૂંપડીમાં તાટપત્રી નાંખી પરિવાર રહેતો હતો. અને ભીખ માંગી ગુજરાન ચલાવતો હતો. જેમને નવું મકાન બનાવી આપી ભીખ નહી માંગવાનું વચન લેવડાવ્યું હતુ.

કિસ્સો:2 : પગે ઘસડાઈને ચાલતા વિધવા માજીને નવું ઘર મળ્યું
નર્મદાબેન નાથુભાઈ માજીરાણા વિધવા છે. બંને પગે અપંગ હોવાથી ઘસડાઈને ચાલે છે.પરિવારમાં બે દીકરીઓના લગ્ન થઈ ગયા છે. એક દિકરો પાલનપુર રતનપુર લોક નિકેતન સંસ્થામાં સેવાભાવીની મદદથી ધોરણ 6માં અભ્યાસ કરે છે. વિધવા સહાયના રૂપિયા 1250 અને ભણસાલી ટ્રસ્ટમાંથી 2000ની સહાયથી ગુજરાન ચલાવે છે. તેમનું જર્જરીત મકાન બનાવી આપી ચણતર, પ્લાસ્ટર, કલર, લાઇટનું કામ કરીને ઘરમાં પૂજા કરાવીને મકાન સોંપ્યું હતું

કિસ્સો: 3 : શિવનગરમાં છૂટક કામ કરતી મહિલાને ઘર મળ્યું
શિવનગરમાં રહેતા લક્ષ્મીબેન છૂટક કામ કરી એક દિકરો- દીકરીનું માંડ ગુજરાન ચલાવે છે. મકાન એકદમ જર્જરિત હાલતમાં હતું. વરસાદમાં પતરામાંથી પાણી પડતું હતું. આ મકાનને પાડીને પાયાથી માંડીને ચણતર પ્લાસ્ટર કલર લાઇટ એમ બધી વ્યવસ્થા કરી આપી હતી. પાંચમા નવરાત્રે મકાન તેમને સોંપવામાં આવ્યું હતું.

કિસ્સો 4 : રાજપુરમાં વિધવા માજીનું વરસાદમાં મકાન પડી ગયું હતું
ડીસાના રાજપુર લોધાવાસમાં રહેતા વિધવા માજીનું મજુરી કરીને ગુજરાન ચલાવતા હતા. ચાલુ વરસાદે મકાન પડી ગયું હતુ. તે પોતે આગળ પાછળ કોઇ હતું નહી આથી માત્ર 15 દિવસમાં પાકુ પતરાવાળુ સુવિધાવાળુ મકાન બનાવી આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...