ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અનેક જગ્યાએ લોકોને નુકસાન થયું છે. ડીસા તાલુકામાં પણ અનેક જગ્યાએ ઘરના પતરા ઉડી ગયા છે તો બટાટા, ઘઉં અને રાજગરો જેવા તૈયાર થયેલા પાક જમીનદોસ્ત થઈ જતા લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વારંવાર કુદરતી આપત્તિનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ ડીસા પંથકમાં ભારે વાવાઝોડા સાથે બરફના કરાનો વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ડીસા તાલુકાના આસેડા ગામે પણ ભારે વાવાઝોડાના કારણે વેરસિંહભાઈ પ્રજાપતિ તેમજ અન્ય બે ઘરના પતરા ઉડી ગયા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ મકાન માલિકને અંદાજિત બેથી અઢી લાખ રૂપિયાનું નુકસાન થયું છે.
બીજી તરફ આસેડા અને વરનોડા ગામમાં ઘઉં રાજગરો અને બટાકાના પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. જેમાં ઘઉં અને રાજગરાનો તૈયાર થયેલો પાક ભારે વરસાદના કારણે જમીનદોસ્ત થઈ ગયો. બે મહિનાથી ખેડૂતોએ સતત દિવસ રાત કાળી મજૂરી કરી તૈયાર કરેલો પાક હવે જમીનદોસ્ત થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માગ ઉઠી છે.
વરનોડા ગામના મગન દેસાઈ અને લીલા દેસાઈએ જણાવ્યું હતું કે, એક તરફ આ વખતે બટાટામાં મોટુ નુકસાન થયું છે. ત્યારે હવે અમારા ગામમાં રાજગરો અને ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ તેમાં પણ રાત્રે વરસાદ થતાં તૈયાર થયેલો તમામ પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને ગામમાં અનેક ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકસાન પામેલા પાકના ખેડૂતોને સહાય આપે એવી ગ્રામજનોની માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.