આરોગ્ય વિભાગ એલર્ટ:ડીસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગને નાથવા આરોગ્ય વિભાગ સજ્જ, 11 વોર્ડમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરરોજ 1200 ઘરનો સર્વે

ડીસા14 દિવસ પહેલા

ડીસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ માં છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 11 વોર્ડમાં દરરોજ 1200થી પણ વધુ ઘરનો સર્વે થઈ રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પાણી ભરાવવાની સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે અને તેના કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે.

પાણીનો ભરાવો ન થાય તે માટે લોકોને અપીલ
ડીસામાં મચ્છરોથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગ ન થાય તેમજ પાણી ભરાઈ જતા તેમાં પોરાના કારણે શરદી, ખાંસી-ઉલટી જેવો રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગે ઘરે-ઘરે જઈ સર્વેની કામગીરી હાથ ધરી છે. ડીસા અર્બન વિભાગે અત્યારે અલગ અલગ ટીમો બનાવી 11 વોર્ડમાં સર્વેની કામગીરી હાથ ધરી છે. સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ ટીમો દ્વારા 1200 થી પણ વધુ ઘરનો સર્વે કરવામાં આવે છે. તેમજ કોઈ જગ્યાએ પાણી ભરાઈ રહ્યું હોય, તેમાં પોરા થયા હોય તો ત્યાં દવા નાખી ક્લોરીનની ગોળીઓ આપવામાં આવે છે અને પાણીનો ભરાવો ન થાય તે માટે લોકોને અપીલ પણ કરાય છે.

એક-એક ઘરે જઈ સર્વે કામગીરી હાથ ધરાઈ
આ સિવાય મચ્છરોથી ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરીયા જેવા રોગ ન થાય તે માટે નગરપાલિકાને સૂચના આપી દવા છંટકાવની કામગીરી પણ કરવામાં આવે છે. આ અંગે ડીસા બ્લોક હેલ્થ ઓફિસર ડો.પી.એમ ચૌધરી અને અર્બન વિભાગના મેડિકલ ઓફિસર ડો. કે પી દેલવાડીયા એ જણાવ્યું હતું કે, અત્યારે રોગચાળાની સિઝન છે અને ડીસામાં કોઈપણ વિસ્તારની અંદર પાણી ભરાવાના કારણે કે મચ્છરોના કારણે રોગચાળો ન ફેલાય તે માટે અમે એક-એક ઘરનો સર્વે કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...